Top News

More Posts

   The Latest

Most Popular

માનવશરીરની રચના વિષયે વિજ્ઞાને ઠીક ઠીક રહસ્યો ઉકેલ્યાં છે. ફ્રેન્ચ રસાયણ વૈજ્ઞાનિક લેવોઇસિયરે (Lavoisier) પૃથ્વી ઉપરના તમામ જૈવિક પદાર્થોને 23 રાસાયણિક ગુણધર્મમાં વહેંચી વર્ષ 1893માં પ્રથમ વખત જણાવ્યું કે જગત એક રાસાયણિક પરિમાણ છે. તે દિશાના બીજા એક નોબેલ Laureates Jerome Alexander એ તો પ્રતિપાદિત કર્યું છે કે જીવન, ઉદ્દીપન અને વિકાસક્રમ કેમિકલ ફીનોમીના છે. પુરુષોડ્ય લોકસમ્મિતઃ પુરુષ (માનવદેહ) જગતતુલ્ય છે તેવી પ્રતીતિ 1800 વર્ષ પહેલાં મહર્ષિ ચરકે પણ આપેલ. 21% કાર્બન, 9 % હાઇડ્રોજન, 62 % ઓકિસજન અને 30 % નાઈટ્રોજન ઉપરાંત 5% માં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયોડિન, બેરીયમ તેમજ લિથિયમ પ્રકારના 55થી વધુ તત્ત્વો મનુષ્ય દેહમાં રહેલા છે.

70 Kg વજન ધરાવતા સ્વસ્થ માણસના શરીરમાં હાઈડ્રોજન અને ઓકિસજન સ્વરૂપે 10 ગેલન પાણી હોય છે. 9000 પેન્સિલ માટે સળી બનાવી શકાય તેટલો કાર્બન, શરીરના હાડકાંઓમાં 2200 દીવાસળીના ટોપકાં ઉપર લગાવી શકાય તેટલો ફોસ્ફરસ અને 1 ઘન મીટરના કયુબને ગોળ કરી શકાય તેટલું કેલશિયમ (ચૂનો) હોય છે. શરીરના લોહીમાં રહેતા આયર્નને એકત્ર કરવામાં આવે તો 22 MM લંબાઈની એક લોખંડની ખીલી બની શકે છે. આમ શરીરને ટકાવી રાખતા હાડકાં, હલનચલન આપતા સ્નાયુઓ અને પેશીઓ, લોહી દ્વારા વિસ્તરતું તાપમાન અને ઊર્જા, મનુષ્યના શરીરને ઢાંક્તી ત્વચા, માંસ, ચરબી, પ્રોટિન રસાયણોનું જ સંયોજન છે. વિજ્ઞાન કહે છે તમામ સજીવ પ્રાણીનો વિકાસ ટકાવવા માટે રસાયણ કારણરૂપ તત્ત્વ છે.

વૈશ્વિક ઊર્જાના ચૈતન્યવશાત્ વિકસતી પ્રાકૃતિક સંયોજનની પ્રક્રિયાએ હવે કોસ્મિક કેમેસ્ટ્રી જેવો નવો શબ્દ ડિક્સનરીને આપ્યો છે તે સાથે જીવનકોષ (જીન્સ)ની સંરચનાને 90થી વધુ રંગસૂત્રમાં વિભાજિત કરનાર સૂક્ષ્મદર્શક યંત્રો દ્વારા સાબિત થયું છે કે, પૃથ્વી ઉપરના તમામ ધર્મ, કોમ, સંપ્રદાયના મનુષ્યોની જેનેટિકલ કેમેસ્ટ્રી 100% સમરૂપ છે. વ્યક્તિ વૈશ્વિક મહાસત્તાનો અધિપતિ હોય કે રસ્તે ચાલતો ભિખારી હોય, જેને દિવ્ય આત્મા-અવતારી પુરુષ તરીકે પૂજવામાં આવતા હોય કે હોસ્પિટલના ખાટલે અનેક દર્દીથી પીડાતો માણસ હોય, અનેક પદવી-હોદ્દા કે સન્માનોથી નવાજીશ વિદ્વાન હોય કે પછી ડુંગરમાં ઘેટાં-બકરા ચારતો ગોવાળ હોય જેનેટીકલ એન્જિનિયરિંગનાં કલર કોર્ટ અનુસાર મનુષ્ય દેહે બધા જ એક સરખા જ ગુણધર્મ ધરાવે છે.

માનવશરીરમાં રહેતા મુખ્ય 60 રસાયણો અને તેમાંથી સજાર્તા 3600 સંયોજનો વિષય આધારભૂત અવલોકનો હજુ પણ જાણી શક્તા નથી. પરંતુ એક વાતે સહુ સહમત છે કે રસાયણોની માત્રામાં અ-સમતુલન ઉદ્દભવતા જ શરીરમાં રોગનો ઉદ્દભવ થાય છે. જેને ડાકટરી વિજ્ઞાન ફિઝિયોલોજીકલ ડીસઓર્ડર તરીકે જાણે છે. માનવશરીરની અદ્દભુત બીજી એક સંરચના મસ્તિષ્ક છે. જે સમગ્ર શરીરના કેમિકલને બેલેન્સ કરવાનું કામ કરે છે. એટલું જ નહીં પણ દારૂ, તમાકુ પ્રકારના કોઈ નશા સાથે જોડાનાર શરીરને પણ સમતુલન રાખવા માણસનું મગજ ન્યૂરો ટ્રાન્સમીટર પ્રકારની વ્યવસ્થા દ્વારા સેરેટોન નામના રસાયણ થકી શરીરની ગ્રંથિઓને સ્ત્રાવ વધારવા ઘટાડવા પ્રેરે છે. “The Mood cure” નામના પુસ્તકમાં જુલિયા રોસ (Julia Ross) પોતાના સંશોધન અહેવાલમાં જણાવે છે માનવ મસ્તિષ્કમાં સેરેટોનના પ્રમાણમાં અસમતુલન થતા માણસ ચીડિયો, ચિંતાગ્રસ્ત બની નિરાશામાં ધકેલાય છે.

આપણો આહાર પાચનતંત્રની મદદથી વિવિધ રસાયણો જ તૈયાર કરે છે. ખાદ્યપદાર્થ ઉપરનાં સંશોધનોથી નોંધાયું છે કે દૂધ અને દૂધની બનાવટો, સૂકામેવા પ્રકારના આહારથી સેરેટોનની માત્રા વિકસે છે. આ ઉપરાંત સર્વાંગાસન, ભૂજંગાસન, પશ્ચિમોતાનાસન પ્રકારના યોગાસનો થકી શરીરની ગ્રંથિઓ ઉપર વિશેષ દબાણ સર્જી શકાય છે. જેથી શરીરની રાસાયણિક પ્રક્રિયાને વેગ મળે છે. જે વિષયે બિહાર યોગ વિદ્યાલયથી સ્વામી સત્યાનંદ સરસ્વતીના સંશોધનો પ્રમાણભૂત છે.

જીવનના વિકાસ સાથે જોડાયેલ બીજું દ્રાવણ ટોલોમોર છે. પુરુષ અને સ્ત્રીના જીન્સ એકત્ર થાય છે ત્યારે જીન્સના DNAમાં રહેલ ન્યૂકલીયસ નવા દેહની બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે. A.G.C. અને T પ્રકારથી ઓળખાતા જીન્સ પોતાના રાસાયણિક સંયોજનથી બીજા કોષો તૈયાર કરતા જ રહે છે. પ્રાણીજન્ય DNA આસપાસ રહેલ ટોલોમોરનું સ્નિગ્ધ આવરણ સમયાંતરે પાતળું પડે છે. આથી શરીરના કોષોનું વિભાજન અટકે છે. શરીર પ્રતિરોધક શક્તિ ગુમાવે છે અને કોષોના નવસર્જનનું કાર્ય પૂર્ણ થાય છે. આદિ શંકરાચાર્યે પણ મૃત્યુને જીવનનું પરમ સત્ય કહ્યું છે, જે સરવાળે રાસાયણિક પ્રક્રિયા જ છે. ચરસ, ગાંજા, LSD પ્રકારનાં કેફી દ્રવ્યો શ્વાસમાં કે હોજરીમાં જતા તેમાંથી છૂટું પડતું Dopamine લોહી દ્વારા મસ્તિષ્કમાં જતા માણસ મોજમાં, રાજાપાઠમાં પહોંચી જાય છે. લોહીના બંધારણથી વિરુદ્ધ આવા અ-પ્રાકૃતિક રસાયણોને દૂર કરવા કિડની કાર્યશીલ બની જાય છે અને જાત નુકસાન વહોરી શરીરને શુદ્ધતા આપે છે, પરંતુ ફિલ્ટરરાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તો માણસ નશાની સ્થિતિમાં રહે છે.

ન્યૂરો કેમેસ્ટ્રી જેવા અતિ સાંકડી શાખાના વૈજ્ઞાનિકોએ સંસ્કૃત શબ્દ આનંદ ઉપરથી મસ્તિષ્કનાં એક રાસાયણિક સંયોજનને આનંદમાઇડ નામ આપ્યું છે. પુરુષ અને સ્ત્રીના સમાગમ સમયે મળતી ચરમસીમાએ મસ્તિષ્ક વિશેષ રીતે Dopamineનું ખૂલન કરે છે આથી ચરમસીમાએ આનંદસભર શૂન્યતાની અનુભૂતિ ઉપસી આવે છે. એટલું જ નહીં પણ જીન્સની સાથે સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાયી થતા Dopamine આસપાસ નવ-પલ્લવિત જીવ પ્રથમ ચરણે આનંદની જ અનુભૂતિથી જગતને ઓળખતું થાય છે.

જીવનઆનંદ રસાયણ સ્વરૂપ આનંદમાઇડને ડી-કોડ કરતાં જાણવા મળે છે કે પરમ આનંદ એ માનવશરીરની આંતરિક રચનાની નીપજ છે જે બહારથી શોધી શકાતી નથી. પિનિયલ ગ્લેન્ડમાંથી સર્જાતા માઇડનું સ્થાન માનવ ખોપરીના ટોચના ભાગે આવેલ છે જેને મહર્ષિ પતંજલિ કુંડલીના ચક્રોમાં બ્રહ્મ મૂલાધાર તરીકે જાણે છે. અધ્યાત્મ એટલે આકાશમાં બેઠેલા કોઈ દેવી-દેવતાને પ્રસન્ન કરવાનું નહીં પણ આપણી ભીતરના આનંદ રસને જાગ્રત કરવાનું શાસ્ત્ર છે. વિકસતા વિજ્ઞાને આનંદની અનુભૂતિ આપતા બાહ્ય રસાયણો શોધ્યા છે જે ક્ષણિક આનંદ આપે જ છે પરંતુ ઉપનિષદના મંત્રો થકી આનંદો પરમોધર્મ કહેતા ત્રષિમુનિઓએ આહાર-વિહાર, યોગ અને પ્રાણાયામના માધ્યમથી ભીતરમાંથી રસાયણ સર્જવાનું વિજ્ઞાન વિશ્વને સદીઓ પૂર્વે આપી દીધું છે. સમય કહે છે ચૈતન્યને રસાયણના માધ્યમથી સમજીએ.
– ડૉ.નાનક ભટ્ટ

To Top