Science & Technology

શું 5G નેટવર્કથી કારની ડ્રાઈવિંગ ટેકનોલોજી બદલાઈ જશે?

5G ટેકનોલોજીથી દુનિયામાં ધારણા બહાર પરિવર્તનો આવશે. 5G ઈન્ટરનેટમાં આઠ-દસ જીબીની ફિલ્મને ડાઉનલોડ થતાં માત્ર છ સેકન્ડનો સમય લાગે છે. વીડિયો કોલનો અનુભવ અભૂતપૂર્વ બનશે. સર્ચિંગ કરતી વખતે ધીમી સ્પીડના કારણે સ્માર્ટફોનમાં ફરતું ચકરડું ભૂતકાળ બની જશે. કદાચ કોઈ વેબસાઈટના સર્વરમાં મુશ્કેલી હોય તો સર્ચિંગ રિઝલ્ટમાં મુશ્કેલી થઈ શકે, તે સિવાય સ્પીડ એ 5Gનો પર્યાય બની રહેશે. 4જી નેટવર્ક પછી વીડિયોકોલનું ચલણ વધ્યું હતું, હવે 5Gની સ્પીડ પછી વીડિયોકોલનો યુગ શરૂ થશે.

ઓનલાઈન મીટિંગ્સ માટે 5G નેટવર્ક વધુ અનુકૂળ આવશે એટલે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધશે. 5G નેટવર્કથી સ્માર્ટફોનનો અનુભવ વધારે બહેતર બનશે. ફ્લાઈટ-બસ-ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી લઈને સોશ્યલ મીડિયા, ગુગલ સર્ચિંગ, OTT સ્ટ્રીમિંગ સુધીના તમામ સ્તરે 5Gની અસર જોવા મળશે. ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ 5Gની અસરથી બાકાત રહેશે નહીં. નવા જમાનાની કાર ટેકનોલોજી સ્માર્ટ છે, 5Gનું તેની સાથે જોડાણ થશે પછી કાર અલ્ટ્રા સ્માર્ટ બની જશે. નવા જમાનાની 5G નેટવર્કથી કનેક્ટેડ કારને રસ્તાની વિગતો મળતી રહેશે. થોડાક કિલોમીટર દૂરના ટ્રાફિકની વિગતોથી લઈને બદલાતા વાતાવરણ-તાપમાનનો ડેટા કારના ચાલકને ચંદ સેકન્ડમાં મળશે.

સેલ્યુલર વ્હિકલ ટુ એવરીથિંગ. આ ટેકનોલોજી પર દુનિયાભરની ટોચની કાર કંપનીઓ પ્રયોગો કરી રહી છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં ઓટોમોબાઈલના ક્ષેત્રમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. તેનાથી ટ્રાફિકજામ સર્જાતો બંધ થશે. માર્ગ પર ચાલતાં અન્ય 5G વાહનો સાથે જે તે કાર કનેક્ટ થઈ જશે. એ વાહન કેટલા અંતરે છે, કેટલી સ્પીડથી ચાલે છે અને કેટલી વારમાં ઓવરટેક કરશે કે કેટલી વારમાં સામેથી પસાર થશે એ બધી જ વિગતો 5G નેટવર્કના કારણે શક્ય બનશે. અત્યાર સુધી પણ ઘણી કારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત સિસ્ટમ છે, પરંતુ નેટવર્કની સ્પીડના કારણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ વધારે અસરકારક રીતે કામ કરશે. એટલું જ નહીં, પગપાળા ચાલતાં લોકો પાસે 5G નેટવર્ક ડિવાઈસ હશે એટલે એની વિગતો પણ સેટેલાઈટની મદદથી કારચાલકને મળશે.

કોઈ અજાણ્યો રસ્તો વાહનચાલકે પહેલી વખત પકડ્યો હશે અને રસ્તો સારો છે કે નહીં, માર્ગમાં કેટલાં સ્થળોએ ડિવાઈડર તૂટેલાં છે, રસ્તો કેટલા કિલોમીટર સુધી નાનો કે પહોળો થઈ જશે – એ બધી જ વિગત 5G ટેકનોલોજીની ડેટા સ્પીડના કારણે વાહનચાલકને મળશે. સામાન્ય રીતે વાહનચાલકો અન્ય વાહનચાલકો કે પછી દુકાનદારોને પૂછતા હોય છે કે આગળનો રસ્તો કેવો છે? પરંતુ 5G સજ્જ કારના ચાલકને એવી પૂછપરછમાંથી છૂટકારો મળશે. ઈનફેક્ટ, ખરાબ રસ્તો હોવાથી ફ્યુઅલની ટેંક કેટલી ખાલી થશે કે ઈલેક્ટ્રિક કારની બેટરી કેટલી ચાલશે – એનું એનાલિસિસ પણ શક્ય બનશે.

સ્પેનમાં 5G સજ્જ વાહનોનો એક રસપ્રદ પ્રયોગ સફળ થઈ ચૂક્યો છે. કેટલીક ટેલિકોમ કંપનીઓએ સંયુક્ત રીતે ટનલમાં 5G ટ્રાન્સમીટર લગાવીને એમાં આધુનિક સેન્સર્સ જડી દીધાં. ટનલમાંથી પસાર થતાં 5G ટેકનોલોજીથી સજ્જ વાહનના ચાલકને માર્ગના સમારકામથી લઈને ‘વાહન ધીમો હાંકો’, એન્સિડેન્ટની વિગતો, ટ્રાફિક જામની કેટલા ટકા શક્યતા, ટનલની અંદર ક્યાં કેવી રીતે લોકો ઊભા છે અને આગળનું તાપમાન કેટલું હશે – એની વિગતોનું નોટિફિકેશન મળે છે. આ સફળ પ્રયોગ પછી ભવિષ્યની કાર સંચાલનની પદ્ધતિ કેવી અદ્ભૂત હશે તેનો અંદાજ લગાવાયો હતો. સ્વીડનની કંપનીએ દુર્ગમ સ્થળે સ્ટાફને મોકલવાનું મુશ્કેલ હતું ત્યાં 5Gથી સજ્જ ઓટોમેટિક વાહનને મોકલવાનો પ્રયોગ કર્યો હતો. કંપનીના સંશોધકોના મતે આ ટેકનોલોજીથી આગામી સમયમાં અતિશય કપરા માર્ગ પર થતાં અકસ્માતો અટકાવી શકાશે.

અત્યારે આધુનિક લક્ઝૂરિયસ કારમાં સોફ્ટવેર અપડેટ કરાવવા માટે સર્વિસ સ્ટેશને જવું પડે છે. અમુક કલાકો કાર સર્વિસ સ્ટેશનમાં મૂક્યા પછી સોફ્ટવેર અપડેટની પ્રક્રિયા થાય છે. હજુ સુધી સ્માર્ટ ફોનની જેમ કારમાં ઓટોમેટિક સોફ્ટવેર અપડેટની સુવિધા નથી, પરંતુ 5G નેટવર્ક ધરાવતી કારમાં બધા જ સોફ્ટવેર ઓટોમેટિક અપડેટ થઈ જશે. કાર 5G નેટવર્કમાં કનેક્ટ થશે અને કંપનીએ સોફ્ટવેરમાં અપડેટ આપ્યું હશે તો યુઝરના મોબાઈલમાં એક નોટિફિકેશન આપીને તુરંત સોફ્ટવેર અપડેટની પ્રક્રિયા શરૂ કરી દેશે.

2021માં નવી બનતી 90 % કાર 4G નેટવર્ક સાથે કનેક્ટિવિટીની ટેકનોલોજી ધરાવતી હતી. 2025ના વર્ષમાં દુનિયાભરના માર્ગો પર ચાલતી સરેરાશ 4માંથી 1 કાર 5G નેટવર્કની ક્ષમતા ધરાવતી હશે. સેમિકન્ડક્ટર્સની અછત સર્જાઈ હોવાથી 2020 પછી કારના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. અછત દૂર થતાં સેમિકન્ડક્ટર્સના માધ્યમથી નવી બની રહેલી કારમાં ટેકનોલોજી અપડેટ થઈ રહી છે.

અત્યારે ચીન સૌથી વધુ 5G કનેક્ટેડ કાર ધરાવે છે. ચીનમાં ટોચની કંપનીઓનાં ઉત્પાદન એકમો છે, ચીને 5G નેટવર્કની શરૂઆત પાંચેક વર્ષ પહેલાં કરી દીધી હતી. ચીનમાં 5G કનેક્ટેડ કારના અનેક પ્રયોગો થઈ રહ્યા છે. વાહનચાલકના સ્વાસ્થ્યમાં કંઈક ફેરફાર થાય તો આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી તેની વિગતો એકઠી કરીને કારમાં નિયત કરેલી સિસ્ટમ ઈમરજન્સી કોલ પણ કરી દેશે.

ધારો કે, કારચાલકનું બ્લડ પ્રેશર વધી જાય કે શરીરનું તાપમાન વધે તો તુરંત જ 5G ટેકનોલોજીની સ્પીડનો ઉપયોગ કરીને કારમાંથી નજીકની હોસ્પિટલમાં નોટિફિકેશન આપી દેશે. 5G ટેકનોલોજીનો જે ઝડપે વિકાસ થતો હતો એ પછી 2021થી 2022 દરમિયાન દુનિયામાં પાંચ લાખ 5G નેટવર્કની કનેક્ટિવિટી ધરાવતી કાર વેચાઈ હતી. અત્યારે ચીન, યુરોપ અને અમેરિકામાં 5G કારની સર્વાધિક ડિમાન્ડ છે. ભારતમાં પણ 5G ટેકનોલોજીની સાથે 5G કનેક્ટેડ કારના ટકોરા પડ્યા છે. દેશમાં ડ્રાઈવિંગ એક્સપીરિયન્સ બહેતર બનશે. 5G ટેકનોલોજીથી વાહનસંચાલનમાં અકલ્પનીય પરિવર્તનો આવશે.
– હરિત મુનશી

Most Popular

To Top