Columns

ઓપરેશન પછી દર્દીને આડઅસરો કે ઇન્ફેકશન થાય તો હોસ્પિટલની બેદરકારી ગણાય નહીં: સુરત DCનો હુકમ

અત્રેની જિલ્લા ગ્રાહક કમિશને એક મહત્ત્વના હુકમમાં ઓપરેશન પછી દર્દીને ઉદભવેલ દેખીતી આડઅસરો (Known Complication) કે ઇન્ફેકશન તબીબ / હોસ્પિટલની બેદરકારી ગણાય નહીં એમ ઠરાવી દર્દીની હોસ્પિટલ અને ડૉકટર સામેની ફરિયાદ રદ કરતો હુકમ કર્યો છે. સુમનદેવી તિવારી વિ. સંજીવની હોસ્પિટલ (ઠે. અલથાણ, સુરત) (સામાવાળા નં.-1) તથા ડૉ. ભાનુબેન પટેલ(ગાયનેક તબીબ) (સામાવાળા નં.-5) વિરૂધ્ધ સુરત જિલ્લા કમિશન સમક્ષ કરેલી ફરિયાદની હકીકત એવી છે કે જુલાઈ 2017 માં ફરિયાદીને પેટમાં અસહ્ય દુખાવો થતો હોવાથી સંજીવની હોસ્પિટલમાં ગયેલા ત્યારે ડૉ.ભાનુબેન પટેલે ફરિયાદીને તપાસેલા અને તેણીના જુદા જુદા રીપોર્ટસ કરાવ્યા બાદ ફરિયાદીને ગર્ભાશયનું ઓપરેશન કરાવવાની અને ગર્ભાશય કાઢી નાંખવાની સલાહ આપેલી.

જેથી ફરિયાદી તાઃ 10/07/2017 ના રોજ સામાવાળા નં. (૧) હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે દાખલ થયેલા અને તાઃ 14/07/2017 સુધી સામાવાળા નં. (૧) હોસ્પિટલમાં સારવાર લીધેલ. જયાં તાઃ 11/07/2017 ના રોજ સામાવાળા નં.(5) દ્વારા ફરિયાદીનું ગર્ભાશયનું ઓપરેશન કરી ગર્ભાશય કાઢી નાખવામાં આવેલ અને તાઃ 14/07/2017 ના રોજ ફરિયાદીને સામાવાળા નં. (1) ની હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવેલા.

ત્યાર બાદ ફરિયાદી સામાવાળા નં.(1) હોસ્પિટલમાં ડ્રેસીંગ તથા સારવાર માટે વખતોવખત જતા હતા. આ તમામ સમયે ફરિયાદીને ઓપરેશનના ટાંકાના ભાગે તથા શરીરની અંદરના ભાગે અસહ્ય દુખાવો થતો હોવાથી તેમ જ બહારના ટાંકાના ભાગે સોજો આવી ગયેલ હોવાની ફરિયાદ ફરજ પર હાજર ડૉકટરને કરેલી. તમામ સમયે ફરજ પરના હાજર ડૉકટર દ્વારા ઓપરેશનના બહારના ટાંકા ઉપર ડ્રેસીંગ કરી ફરિયાદીને ઘરે જવાની સલાહ આપવામાં આવેલ. આમ છતાં, ફરિયાદીને પેટના અંદરના ભાગે તથા ઓપરેશનની જગ્યા પર દુખાવો બંધ થયેલ ન હોય ફરિયાદી સપ્ટેમ્બર 2017 માં અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા અને ત્યાં તેણીના સોનોગ્રાફી રીપોર્ટ કરાવતા ફરિયાદીને હર્નિયા થયેલ હોવાનું માલૂમ પડેલ.

ત્યાર બાદ ફરિયાદીએ સ્મીમેર હોસ્પિટલમાં તાઃ 27/3/2018 થી તાઃ 02/04/2018 સુધી હર્નિયાની બીમારી અંગે સારવાર લીધેલ. ફરિયાદીને અગાઉ હર્નિયાની બીમારી નહોતી. જેથી ત્યાર બાદ ફરિયાદીએ સામાવાળા નં.(1) ની હોસ્પિટલમાં સામાવાળા નં.(5) ડૉ.ભાનુબેન પટેલ દ્વારા તાઃ 11/07/2017 ના રોજ કરવામાં આવેલ. ગર્ભાશયના ઓપરેશન વખતે દર્શાવેલ બેદરકારીને કારણે ફરિયાદીને ઓપરેશનના ટાંકાવાળા ભાગમાં ઈન્ફેકશન થયેલ તેમ જ હર્નિયા થવા પામેલ હોવાનું તેમ જ ફરિયાદીએ હર્નિયાની તકલીફ 6 મહિના જેટલા સમય દરમિયાન સહન કરવી પડેલ હોવાનું અને ગર્ભાશયના ઓપરેશનના ટાંકા સુકાયા અને રૂઝ આવ્યા બાદ હર્નિયાની સારવાર થઈ શકેલ હોવાનું જણાવી સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હોસ્પિટલ અને ડૉકટર પાસે રૂ.4,82,980/-નું વળતર અપાવવાની દાદ માંગી હતી.

સંજીવની હોસ્પિટલ તેમ જ ડૉ.ભાનુબેન પટેલ તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ જિલ્લા કમિશન સમક્ષ દલીલો કરતા જણાવ્યું હતું કે ગર્ભાશયના ઓપરેશન પછી Incisional Hernia થવું એ Known Complication છે. 10% કેસોમાં આવા ઓપરેશન પછી દર્દીને Incisional Hernia થાય છે. ઓપરેશન પછી ઈન્ફેકશન થવું કે હર્નિયા થવું એ known Complication હોવાથી તબીબી બેદરકારી ગણાય નહીં એમ જણાવી ફરિયાદ રદ કરવા રજૂઆત કરી હતી. સુરત જિલ્લા કમિશન (મેઈન) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મખીયા તથા સદસ્યો ડૉ. તીર્થેશ મહેતા અને પૂર્વીબેન જોશીએ સામાવાળા હોસ્પિટલ/ડોકટરોના પક્ષે ફરિયાદીની સારવારમાં બેદરકારી યા નિષ્કાળજી હોવાનું પુરવાર થતું ન હોવાનું જણાવી દર્દીની ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top