Health

શું જૂની દવાઓ જેમ ચાલે છે તેમ ચાલુ જ રાખવી? ડૉક્ટર પાસે ફોલો અપ કયારે લેવું?

વર્ષના એક સજ્જન કિલનિકમાં પ્રવેશે છે અને જણાવે છે કે મને પગ પર સોજો આવ્યો છે અને મટતો નથી. મેં કોઇ દવા પાછલા અમુક દિવસોમાં કે એક સમયે કે વર્ષોથી કરી નથી આ માટે કે પછી કોઇ દવા બદલી પણ નથી. – આશ્ચર્યવશ મેં પૂછયું કે આપને કઇ કઇ બીમારીઓ છે અને શું દવા ચાલે છે? આ અત્યંત શિક્ષિત એવા સજ્જન વ્યકિતએ જણાવ્યું કે મને થોડા વર્ષ પહેલા BP, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ વગેરે આવેલું તથા આટલી આટલી દવાઓ ચાલે છે. કયારેય ડોકટરને પાછું બતાવવા ગયો નથી. મેં તેમની દવામાં ફેરફાર કર્યો અને સ્પષ્ટ જણાવ્યું કે 10 દિવસમાં બતાવવા અચૂક આવવું. તેઓ ફરી આવે છે અને એમની ફરિયાદો જે હતી તેનું નિરાકરણ થઇ ગયું. આમાંથી આપણે શું શીખવું રહ્યું? 3 મહત્ત્વની બાબતો છે. ચાલો જાણીએ.

1. શું ખરેખર ફોલો અપ માટે જવું?
– તમે કોઇ પણ તબીબ પાસે જાઓ તો જોતા હશો કે નીચે નોંધ કરેલ હશે કે 4 અઠવાડિયા કે 1 મહિનો કે 3 મહિને કે 6 મહિને ફરી બતાવવા આવવું. એ પણ નિરીક્ષણ કર્યું હશે કે બાજુમાં 10 કે 20 કે 30 ગોળી કે ઇન્જેકશન અર્થાત જેતે દવાની નોંધ કરી હશે પરંતુ આપણે આ અવગણી અને ડોકટરની ફી બચાવવા મોટે  ભાગે ફોલો અપ કરતા નથી અને જેતે દવાઓ ચાલુ જ રાખીએ છીએ. આપણે તબીબે આપેલ પ્રિસ્ક્રીપ્શન ખોવાઇ જાય તો પણ ખાલી પત્તા લઇ જઇને મેડિકલ સ્ટોરવાળા પાસેથી દવા મેળવી લઇએ છીએ. આ બધી જ પ્રક્રિયા ખોટી છે. ફોલો અપ આવશ્યક છે. તમારું કોઇ અંગ વધુ ખરાબ તો નથી થઇ રહ્યું અર્થાત બંને કિસ્સામાં પહેલામાં દવા બદલવાની વધારવાની કે બીજી દવા ઘટાડવાની, બંધ કરવાની જરૂર હોય તો એ તમારા ડોકટરને તપાસીને નક્કી કરવા દો. આવા નિર્ણયો જાતે લેવા એ તમારી જાત સાથે ચેડા કરવા બરાબર છે એટલે તબીબે દર્શાવેલ નિયત સમયે ફોલો અપ માટે અવશ્ય જવું.

2. શું જૂની દવાઓ જેમ છે એમ ચાલુ જ રાખીએ તો?
આગળ જણાવ્યું એ વાત તો અહીં  લાગુ પડે જ છે પણ એ સમજવું જરૂરી છે કે જેતે દવા ચાલુ કે બંધ રાખવી એ તબીબના પરીક્ષણ તથા જણાવેલ અમુક લોહીના રિપોર્ટ કે અન્ય તપાસો પર આધાર રાખે છે. તબીબે જણાવેલ રિપોર્ટ કરાવ્યા વગર દવા ચાલુ રાખવી, આળસ કરવી, આપણા માટે સામાન્ય છે. આજના કળિયુગમાં આપણે તબીબો પર એટલી બધી શંકા કરવા લાગ્યા છીએ કે એવું જ લાગે કે આ તો ખોટા રિપોર્ટ કરાવે છે, બિનજરૂરી છે.

પણ તમારા શરીરની અંદરની પરિસ્થિતિ જાણવા માટે જયારે સુવિધા ઉપલબ્ધ છે તો પછી ખુદની જાત સાથે આવા પ્રયોગો કેમ? સંશોધન ક્ષેત્રે નિમિત્ત બનતા પ્રાણીઓ તો આપણે બેશક નથી ને! આ લખું છું ત્યારે જ એક દર્દીના સંબંધી આવે છે ને જણાવે છે કે એમના પિતા બોલતા નથી અને હલનચલન કરવું બંધ કરી દીધું છે. દવાઓ વિશે પૂછતા જણાવે છે કે ડોકટરે ગઇ વખતે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થયા બાદ એક અઠવાડિયામાં બતાવવા જણાવેલ પણ દોઢ મહિનો થયો જવાયું નથી. એમની પાર્કિન્સનની દવા બંધ છે અને ડાયાબિટીસની મેં જાતે ચાલુ કરી દીધી.

આ દર્દી બે કારણોસર મૃત્યુશૈૈયા પર છે. ફોલો અપ ના કરીને જાતે પાર્કિન્સનની દવા બંધ કરી દેતા એ વધુ ઊંચા સ્ટેજ પર પહોંચી ગયો અને જરૂર ન હોવા છતાં એક વૃધ્ધ દર્દીને ડાયાબિટીસની દવા આપતા શુગર જરૂર કરતાં ખૂબ જ ઘટી ગયું અને ત્વરિત સારવાર ન લીધી અને લકવાગ્રસ્ત થયા. આશા છે આ રિયલ દાખલાઓ જાણી આપ સ્વેચ્છાએ દવાઓનો તમારા પોતાની ઉપર પ્રયોગ ન કરો. એટલે સૌથી મહત્ત્વનું કોઇ પણ રોગ હોય તે પછી હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, થાયરોઇડ કે જે એવું લાગે કે સૌ કોઇને હોય જ ને એવી કોમોબિલીટીની દવા જાતે જાતે ચાલુબંધ કરવી કે લાંબા સમય સુધી જાતે લેતા જ રહેવી, કોઇ પણ તબીબી અભિપ્રાય વિના એ જોખમી છે.

3. પ્રિસ્કીપ્શન ધ્યાનથી વાંચો અને અનુસરો
 ભારત દેશમાં જૂના અને અમાન્ય થઇ ગયેલ, વીતી ગયેલ તારીખના પ્રિસ્ક્રિપ્શન પર પણ દવા આપી દેવામાં આવે છે. જો પરદેશ જેવી સિસ્ટમ આવી જાય તો દર્દી અને મેડિકલ સ્ટોરવાળા બંનેને ખરેખરી તકલીફ સર્જાઇ જાય, નહીં? પણ આ તકલીફ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. જયારે પ્રિસ્ક્રીપ્શન પર 30 દિવસ લખ્યા હોય તો પછી એ જૂના પ્રિસ્ક્રિપ્શન પર કે પ્રિસ્ક્રીપ્શન વિના ફકત મોઢે મોઢે દર્દીના કહેવાથી કે પત્તા જોઇને દવા આપવી એ મેડિકલ સ્ટોરવાળા માટે ગુનો છે. આ પ્રેક્ટિસ પહેલાં તો બંધ થવી જરૂરી પણ એવું કયાં થવાનું?

એટલે દર્દીએ પોતે આત્મનિષ્ઠાથી, શિસ્તમાં રહી પ્રિસ્ક્રિપ્શન વાંચી 30 દિવસે કે 3 મહિને કે જયારે તબીબે કીધું હોય ત્યારે ફોલો અપ માટે અવશ્ય જવું. એક મજેદાર વાત એ પણ છે કે આમ કરીને તમે થોડા નિશ્ચિંત થઇ શકો કારણ કે જો તમે જૂના અને અમાન્ય પ્રિસ્ક્રીપ્શનથી દવા ચાલુ રાખી છે અને તમને કંઇ તકલીફ થાય છે તો એ માટે તબીબ જવાબદાર રહેતા નથી. પરંતુ જયારે તમે સતત તબીબના સંપર્કમાં હોવ છો ત્યારે તબીબે એમણે આપેલ પ્રિસ્ક્રીપ્શનની જવાબદારી લેવી પડે છે એટલે આ સામાન્ય કાગળ જેવું લાગતું પ્રિસ્ક્રીપ્શન ખરેખર તો તમારા આરોગ્યનો પાસપોર્ટ છે.

 ટૂંકમાં તમને કોઇ પણ કોમોર્બિડીટી હોય, કોઇ પણ રોગ હોય એ માટે નિયમિત સમયાંતરે તબીબી સલાહ અનુસાર નિયત કરેલ દિવસે તબીબને બતાવવા અચૂક જાઓ. જે રિપોર્ટ કરાવવા કીધા હોય એ કરાવીને તબીબી પરામર્શ લેવાનું નહીં ટાળો. જાતે જાતે દવા લઇ લેવી કે ફલાણા સંબંધીને જે દવા આપી હતી એ જ તમને ચાલી જશે એવું વિચારીને ખુદના શરીર પર પ્રયોગ ના કરો. ગુગલ દ્વારા કયા રોગમાં કઇ દવા લેવી એ જાણી જ શકાય છે એમાં શું નવું છે?

પણ કયારે કઇ દવા બંધ કરવી, કયા રોગમાં કઇ દવા આપવી નહીં, કઇ દવાની ઉંમર પ્રમાણે તે જેતે પરિસ્થિતિ મુજબ આડઅસર ઓછી થશે કે પછી વિવિધ રોગો એક સાથે ચાલતા આવતા હોય વર્ષોથી ત્યારે કઇ દવા સૌથી વધુ સુરક્ષિત અને ફાયદાકારક રહેશે એ માટે તબીબી અભ્યાસ જરૂરી છે અને તેથી સમાજમાં તબીબોનું અસ્તિત્વ છે. બાકી ઇન્ટરનેટના માધ્યમથી કે પુસ્તકો વાંચી તો સૌ કોઇ ઘણા અંશે તબીબ બની જતા હોય છે!

પરંતુ જયારે તમને કોઇ 4 દવાનું પ્રિસ્ક્રીપ્શન લખી સહી કરવા કહેશે ત્યારે તમને તબીબી પ્રેકિટસ અને પ્રેકિટસની રિયાલીટી જોતા તબીબી અભ્યાસની અછત વર્તાશે! તો હવેથી આ દિવાળીએ નિયમ લો કે સૌ કોઇ પોતાના આરોગ્યની સમયાંતરે સફાઇ કરવાનું યોગ્ય સમજશે તથા જાતે જાતે દવાઓ સતત ચાલુ રાખવાનું, બંધ કરી દેવાનું કે અચાનક જરૂર મુજબ લઇ લેવાનું ટાળશો. દિવાળીના  અવસરે આપ સૌનું આરોગ્ય હંમેશાં નીરોગી રહે, આપ સ્વસ્થ રહો એવી મનોકામના અને આપ સૌને તબીબની સૌથી ઓછી જરૂર પડે એવી પ્રાર્થના!!

Most Popular

To Top