Columns

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂકનો વિવાદ

કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે પછી દેશની એક પછી એક પ્રતિષ્ઠિત સંસ્થાઓ ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) નો ભગવો ઝંડો ફરકાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. સાબરમતીના ગાંધી આશ્રમનો જીર્ણોદ્ધાર કરવાને બહાને ભાજપ સરકારે તેના પર કબજો જમાવી દીધો તે પછી ૧૦૨ વર્ષ જૂની ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ અને આર.એસ.એસ.ના કાર્યકર આચાર્ય દેવવ્રતની નિમણૂકનો વિવાદ પેદા થયો છે. ગુજરાતના રાજ્યપાલ તેમના હોદ્દાની રૂએ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ (ચાન્સેલર) બને છે, પણ ગુજરાત વિદ્યાપીઠ ડીમ્ડ યુનિવર્સિટી હોવાથી તે પોતાના કુલપતિની જાતે જ નિમણૂક કરે છે.

ગુજરાત વિદ્યાપીઠનાં વર્તમાન કુલપતિ ૮૯ વર્ષનાં ગાંધીવાદી ઇલા ભટ્ટ છે, જેઓ તેમની ‘સેવા’સંસ્થાને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ઇલા ભટ્ટે પોતાની નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપતાં નવા કુલપતિની નિમણૂક જરૂરી બની હતી. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલનાયક (વાઇસ ચાન્સેલર) ડો. રાજેન્દ્ર ખીમાણી દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નામની ભલામણ કરવામાં આવી હતી, પણ તેમનો વિરોધ થયો હતો, કારણ કે તેઓ આર.એસ.એસ. સાથે જોડાયેલા છે. આચાર્ય દેવવ્રતને કુલપતિ બનાવવા બાબતમાં ગુજરાત વિદ્યાપીઠના ૨૪ ટ્રસ્ટીઓમાં પણ મતભેદ હતો. મતદાન કરાવવામાં આવ્યું તો ૧૩ ટ્રસ્ટીઓનો મત આચાર્ય દેવવ્રતની તરફેણમાં પડ્યો હતો.

નવ ટ્રસ્ટીઓનો મત તેમની વિરુદ્ધમાં હતો અને બે ટ્રસ્ટીઓ મતદાનથી વેગળા રહ્યા હતા. પરિણામે આચાર્ય દેવવ્રત બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. આચાર્ય દેવવ્રતને કુલપતિ બનાવવાના વિરોધમાં નવ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધાં હતાં. આ નવ ટ્રસ્ટીઓમાં નરસિંહ હઠીલા, મંદાબહેન પરીખ, ડો. સુદર્શન અયંગર, ડો. અનામિક શાહ, કપિલ શાહ, માઇકલ મઝગાંવકર, ચૈતન્ય ભટ્ટ, ઉત્તમ પરમાર અને નીતા હાર્ડિકરનો સમાવેશ થાય છે.

ભારતને અંગ્રેજી પદ્ધતિના શિક્ષણથી મુક્ત કરવાના આશય સાથે ૧૯૨૦માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૨૦થી ૧૯૪૮ દરમિયાન ગાંધીજી પોતે તેના કુલપતિની જવાબદારી સંભાળતા હતા. ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો. રાજેન્દ્રપ્રસાદ જેવા નેતાઓ તેના કુલપતિ બન્યા હતા. મોરારજી દેસાઈ પણ વર્ષો સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યા હતા. ગાંધીજીની ભાવના હતી કે ગુજરાત વિદ્યાપીઠને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રાખવામાં આવે. આ કારણે ૧૯૬૪ સુધી ગુજરાત વિદ્યાપીઠ સરકારની ગ્રાન્ટ પણ લેતી નહોતી. સરકારી ગ્રાન્ટ લેવા છતાં ગુજરાત વિદ્યાપીઠ પોતાની સ્વતંત્રતા જાળવી રાખી શકી હતી.

ગુજરાત વિદ્યાપીઠના ૧૦૨ વર્ષના ઇતિહાસમાં જે ૧૨ કુલપતિ બન્યા તે બધા ગાંધીવિચારમાં માનનારા હતા. ૨૦૧૫માં ઇલા ભટ્ટ કુલપતિ બન્યાં હતાં. તેમની છાપ પણ પ્રખર ગાંધીવાદી તરીકેની હતી. ઇલા ભટ્ટે તેમની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું તે પછી નવા કુલપતિની શોધ ચાલુ કરવામાં આવી હતી. કુલનાયક ડો. રાજેન્દ્ર ખીમાણી દ્વારા આચાર્ય દેવવ્રતનું નામ સૂચવવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રત બાબા રામદેવના માનીતા છે અને તેઓ સંઘપરિવારના સભ્ય રહ્યા છે. બાબા રામદેવને કારણે ૨૦૧૫માં તેમને હિમાચલ પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯થી તેઓ ગુજરાતના ગવર્નર છે. આચાર્ય દેવવ્રતને ગુજરાતના ગવર્નરના હોદ્દાની રૂએ નહીં પણ તેમની વ્યક્તિગત ક્ષમતામાં કુલપતિ બનાવવામાં આવ્યા છે.

૬૩ વર્ષના આચાર્ય દેવવ્રતનો દાવો છે કે તેઓ પણ ગાંધીવાદી છે. તેમના કહેવા મુજબ તેઓ કાયમ ખાદીનાં વસ્ત્રો પહેરે છે અને ગાંધીવિચારોમાં શ્રદ્ધા ધરાવે છે. તેઓ હરિયાણામાં ચાર ગુરુકુળ ચલાવે છે, જેમાં ગોશાળાનો નિભાવ પણ કરવામાં આવે છે. તેમનું ગુરુકુળ હરિયાણામાં ટોચનું સ્થાન ધરાવે છે. ભારતના ટોપ ટેન ગુરુકુળમાં તેમનો સમાવેશ થાય છે. અંબાલામાં તેઓ કન્યાઓ માટેનું ગુરુકુળ પણ ચલાવે છે. આચાર્ય દેવવ્રત યોગ અને પ્રાકૃતિક ચિકિત્સામાં પણ વિશ્વાસ ધરાવે છે. તેઓ પોતાના ગુરુકુળની ૨૦૦ એકર જમીન પર ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે. તેઓ શુદ્ધ શાકાહારી છે. આચાર્ય દેવવ્રતને ગુરુકુળ ચલાવવાનો ૩૫ વર્ષનો અનુભવ છે. હિમાચલ પ્રદેશના અને ગુજરાતના ગવર્નર બન્યા પછી પણ તેઓ ગુરુકુળના સંચાલનમાં રસ લઈ રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠના નવ ટ્રસ્ટીઓ કહે છે કે માત્ર પ્રાકૃતિક ચિકિત્સા અને ઓર્ગેનિક ફાર્મિંગ કરવાથી ગાંધીવાદી બની જવાતું નથી. આચાર્ય દેવવ્રત સંઘપરિવારના સભ્ય છે તે જગજાહેર વાત છે.

આચાર્ય દેવવ્રતને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બનાવવામાં તેના વર્તમાન કુલનાયક ડો. રાજેન્દ્ર ખીમાણીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ડો. ખીમાણી પોતે વિવાદોમાં ઘેરાયેલા છે. તેઓ ૨૦૦૪થી ૨૦૧૯ દરમિયાન વિદ્યાપીઠના કુલસચિવ હતા. તે દરમિયાન તેમના પર ગેરવહીવટના અને આર્થિક ગોલમાલના આક્ષેપો પણ થયા હતા. આ આક્ષેપો છતાં તેમને ૨૦૨૧માં કુલનાયક બનાવવામાં આવ્યા હતા. ૨૦૨૧માં યુજીસીની બેઠક મળી તેમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિને ડો. ખીમાણીને કુલનાયકના પદેથી હટાવવાનું કહેવામાં આવ્યું હતું. ડો. ખીમાણી તેની સામે હાઈ કોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઈ કોર્ટે તેમને કામચલાઉ રાહત આપી હતી અને જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેમને હોદ્દા પર ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું. ડો. રાજેન્દ્ર ખીમાણી પોતાનો હોદ્દો બચાવવા માટે શાસક ભાજપને શરણે ગયા હતા. આ વર્ષના માર્ચ મહિનામાં અમદાવાદમાં ખીમાણી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં મુખ્ય અતિથિ અમિત શાહ હતા.

ગુજરાત વિદ્યાપીઠને મળતી સરકારી ગ્રાન્ટ કેટલાંક ટેકનિકલ કારણોસર અટકી ગઈ હતી. ડો. ખીમાણી અને બીજા બે ટ્રસ્ટીઓ ગ્રાન્ટ રિલીઝ કરાવવા દિલ્હી ગયા હતા અને અમિત શાહને મળ્યા હતા. આ મુલાકાત પછી ગ્રાન્ટ રિલીઝ થઈ ગઈ હતી. ડો. ખીમાણી દિલ્હીથી અમદાવાદ પાછા આવ્યા તે પછી તેમણે કુલપતિ તરીકે ઇલા ભટ્ટનું રાજીનામું સ્વીકારી લીધું હતું. ત્યાર બાદ ટ્રસ્ટીઓ દ્વારા કુલપતિ તરીકે કેટલાંક નામો સૂચવવામાં આવ્યાં હતાં, પણ ખીમાણીએ તેને રિજેક્ટ કરી દીધાં હતાં. કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ ગવર્નર ઓમ પ્રકાશ કોહલીનું નામ સૂચવવામાં આવ્યું હતું, પણ તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેઓ તૈયાર નહોતા. છેવટે વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ સૂચવવામાં આવ્યું હતું અને તેને સ્વીકૃતિ મળી ગઈ હતી.

આ દરમિયાન ડો. ખીમાણી સામે જે કેસ હાઈ કોર્ટમાં પેન્ડિંગ હતો તેનો ચુકાદો આવી ગયો હતો. હાઈ કોર્ટે કાઉન્સિલને યુજીસીના હેવાલ મુજબ ૮ સપ્તાહમાં યોગ્ય આદેશ પસાર કરવાની ભલામણ કરી હતી. આ ભલામણ ડો. ખીમાણીને બરતરફ કરવાની હતી. હાઈ કોર્ટના આદેશ પછી પણ ખીમાણીએ રાજીનામું નહોતું આપ્યું અને કુલનાયક તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ હોદ્દાનો ઉપયોગ કરીને તેમણે ૪ ઓક્ટોબરે મીટિંગ બોલાવી હતી અને નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કરી હતી. આ નિર્ણયમાં ૧૩ ટ્રસ્ટીઓ સામેલ હોવાથી હવે ફેરફાર થઈ શકે તેમ નથી. ગાંધીજી સ્થાપિત સંસ્થા ઉપર જ ગાંધીવાદીઓના નિયંત્રણનો હવે અંત આવ્યો છે.

Most Popular

To Top