SURAT

હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલવી સુરતથી પકડાયો, પાકિસ્તાનનું કનેક્શન નીકળ્યું

સુરત: હિન્દુ સંગઠનના નેતાને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર મૌલવીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. આ મૌલવીનું પાકિસ્તાન, નેપાળ સહિત અન્ય દેશો સાથેનું કનેક્શન મળી આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. પાકિસ્તાન, નેપાળ તથા અન્ય દેશના લોકો સાથે મળી મારી નાંખવાની ધમકી અપાઈ હતી. આ ધમકી આપવાના કેસમાં સુરતના કઠોર ગામના મૌલવી સોહેલ અબુબકર ટીમોલને પકડવામાં આવ્યો છે.

ધમકી આપનાર મહમદ સોહેલ કઠોર ગામની મદ્રેસામાં હાફિઝ અને આલીમ છે. તે કઠોર અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મનું ખાનગી ટ્યુશન આપે છે. તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતેની એક ટેક્સટાઈલ ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

સોહેલ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો, જેમાં ઈન્ટરનેશનલ સીમ હતું. તે છેલ્લાં દોઢ વર્ષથી પાકિસ્તાનનાં મોબાઈલ ધારક ડોગર તથા નેપાળના મોબાઈ ધારક શેહનાઝ નામના ઈસમો સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. તે ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીબી ગુસ્તાખી કરવામાં આવે છે. તેઓને સબક શીખવાડવાની જરૂર છે તેવી ઉશ્કેરણી કરી મૌલવીને હિન્દુવાદી સંગઠનોના અગ્રણીઓને ધમકી આપવા જણાવવામાં આવતી હતી.

પોતાની ઓળખ છતી ન થાય તે માટે તે લાઓસ દેશનો ઈન્ટરનેશનલ સીમ વાપરતો હતો. આ સીમથી તેણે વોટસએપ એક્ટીવ કર્યું હતું. આ નંબર પરથી હિન્દુ નેતા ઉપદેશ રાણા, રાજાસીંગ, સુરેશ ચવ્હાણ તથા નુપુર શર્માને તેણે ધમકી આપી હતી.

સોહેલ ઉર્ફે મૌલવીએ બે કોમ વચ્ચે ઝેર ફેલાવવાના ઈરાદે ભારતના રાષ્ટ્રધ્વજના ફોટોમાં ચેડાં કર્યા હતાં. તે હિન્દુ ધર્મ અંગે પોસ્ટ કે વીડિયો ઉપર અભદ્ર કોમેન્ટ કરતો હતો. ગઈ તા. 6 ડિસેમ્બરને બ્લેક ડે ગણાવી તે અંગેના કોમેન્ટના ફોટા તથા હિન્દુ દેવી દેવતાના ચિત્રો મોર્ફ કરી સોશિયલ મીડિયાના પોતાના ગ્રુપમાં પોસ્ટ કરી વિદેશી હેન્ડલર પાસેથી હથિયારો મંગાવ્યા હતાં.

Most Popular

To Top