Business

ઇ કાર માટે મળી રહી છે ઓછા વ્યાજની લોન

નવી દિલ્હી: પેટ્રોલ (Petrol) અને ડિઝલ (Diesel) સહિતના ઇંધણની વધતી જતી કિંમતો અને પર્યાવરણને લગતી ચિંતાઓના કારણે દેશમાં હવે ઇલેક્ટ્રિકલ વ્હિકલ (Electric Vehicle) ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઇ રહ્યાં છે. છેલ્લા કેટલાક મહિનામાં તો તેના તરફ લોકોનો લગાવ એટલી હદે વધ્યો છે કે તેના વેચાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હવે ભારતીય ગ્રાહકોની પસંદને ધ્યાનમાં રાખીને કાર ઉત્પાદક કંપનીઓ પણ નવા નવા મોડેલ બજારમાં ઉતારી રહી છે. તો સાથે સાથે ટુ વ્હિલરમાં પણ હવે નવા નવા મોડેલ બજારમાં આવી રહ્યાં છે. જુદા જુદા રાજ્યોની સરકાર પણ તેના માટે સબસીડી સહિતની પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી રહી છે ત્યારે હવે બેંકો પણ લોનના મામલે આગળ આવી રહી છે. સામાન્ય વાહનોની લોન કરતા ઇલેક્ટ્રિક વાહનોની લોન 0.50 ટકા સસ્તી મળી રહી છે. આ સસ્તી લોન માટે અનેક બેંકો આકર્ષક ઓફર કરી રહી છે.

સસ્તી લોન સિવાય પણ અનેક ઓફર
સસ્તીલોન ઉપરાંત દિવાળીમાં ઇલેક્ટ્રિકલ કાર ખરીદવા માટે મોટી બેંકોએ તેની પ્રોસેસિંગ ફી પણ નજીવી રાખી છે અથવા તો રાખી જ નથી. બેંકના અધિકારીઓ જણાવી રહ્યાં છે કે, સામાન્ય વાહનોની સરખામણીમાં ઇલેક્ટ્રિક વાહનો માટે બેંકે તેના વ્યાજદરમાં 0.10 થી 0.50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો સામાન્ય કારો માટે તેનો વ્યાજદર 7.80 ટકાથી લઇને 8.65 ટકા છે તેની સરખામણીમાં ઇકાર માટે ગ્રીન કાર લોન ઓફર કરવામાં આવી રહી છે. તેનો વ્યાજદર 7.95 ટકાથી 8.30 ટકા છે. અલગ અલગ બેંકોની લોનની રકમ અને લોન ભરવાનો સમયમાં પણ છૂટછાટ મળી શકે તેવું આયોજન પણ જુદી જુદી બેંકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટૂંકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે તેમાં ઇલેકટ્રિક વાહનો પણ સામેલ છે આ જ કારણસર તેને બેંકો પણ પ્રોત્સાહન આપી રહી છે.

ઇલેક્ટ્રિક વાહનો ઉપર સબસીડીનો પણ લાભ
ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉપર 1.5 લાખ સુધીની સરકારી સબસીડી પણ મળી રહી છે. આ સબસીડી વાહનની બેટરીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. ઇનકમ ટેક્સની ધારા 80 પ્રમાણે જો કોઇ ગ્રાહકે લોન લઇને ઇલેક્ટ્રિક વાહન ખરીદ્યુ હોય તો લોન ચૂકવી દીધા પછી વ્યાજમાં પણ મોટી રાહત મળે છે. એટલું જ નહીં ખાનગી અને વ્યવસાયિક બંને પ્રકારના વાહનો ઉપર આ ઓફર બેંકો કરી રહી છે. એક્સિસ બેંકના રિટેલ લેન્ડિંગ અને પેમેન્ટના ગ્રુપ એક્સિક્યુટિવ હેડ સુમિત બાલીએ જણાવ્યું હતું કે, કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનોના નવા નવા મોડેલ બહાર પાડી રહી છે. જેના કારણે કાર પણ ખૂબ જ સસ્તી થઇ છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનથી પર્યાવરણને તો રક્ષણ મળે જ છે સાથે સાથે વિદેશી હુંડિયામણની પણ બચત થાય છે કારણ કે, ઇંધણ ક્ષેત્રે ભારતે નિકાસ ઉપર જ સંપૂર્ણ આધાર રાખવો પડે છે.

Most Popular

To Top