SURAT

સુરતના આ વિસ્તારમાં કચરાના ઢગલામાં સંતાડેલી દારૂની બે હજાર બોટલ મળી આવી

સુરત: (Surat) એસઓજી (SOG) દ્વારા કચરાના ઢગલામાં સંતાડેલો અંદાજે પોણા ત્રણ લાખથી વધુ રૂપિયાનો દારૂ (Alcohol) પોલીસે ઝડપી પાડ્યો હતો. કચરાના ઢગલામાં આ બોટલ સંતાડી રાખવામાં આવી હોવાનું પોલીસને (Police) બાતમી મળી હતી. પોલીસે તપાસ કરતાં કચરાના ઢગમાંથી 2184 દારૂની બોટલ મળી આવી હતી.

સુરતના ઉધના વિસ્તારમાંથી એસઓજીએ કચરાના ઢગલા નીચે સંતાડેલો દારૂ પકડી પાડ્યો હતો. આ મામલે પોલીસે અલ્તાફ રઇસ શેખ (રહે. ગલી નંબર 3, રહે. સંજય નગર ઝૂપડપટ્ટી, ઉધના સાગર હોટલ પાસે)ની ધરપકડ કરી હતી. 2.84 લાખ રૂપિયાની દારૂની બોટલો ઉપરાંત પોલીસ દ્વારા થ્રી વ્હીલ ટેમ્પા સાથે અંદાજે 3 લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો. હાલમાં દબાણ વધતાં કચરાના ઢગલામાં દારૂ સંતાડવાની આ તરકીબ અજમાવી હોવાની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવી હતી.

ભીમ અગિયારસે શહેરમાં જુગાર રમતી 5 મહિલા સહિત 254 જુગારી ઝડપાયા
સુરત: શહેરના કાપોદ્રા, અમરોલી, વરાછા, સિંગણપોર અને પૂણા પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં ભીમ અગિયારસના દિવસે જુગાર રમતી મહિલા સહિત કુલ 254 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ જુગારીઓ પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ મળી કુલ 18.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભીમ અગિયારસના દિવસે સૌરાષ્ટ્રમાં જુગાર રમવાનો રિવાજ હોય છે. શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ આ દિવસે જુગાર રમતા હોય છે. કોઈ ઘરમાં બેસીને, કોઈ અગાસી ઉપર તો કોઈ સોસાયટીની અંદર જુગાર રમતા હોય છે. આ દિવસે જુગાર રમનારાઓને પકડી પાડવા માટે પોલીસે મોટુ અભિયાન આદર્યું હતું. પોલીસે શહેરના કાપોદ્રા, વરાછા, સિંગણપોર, પૂણા અને અમરોલી વિસ્તારમાં 40 સ્થળોએ રેડ કરી હતી. 40 સ્થળ પર રેડ કરતા પોલીસે કુલ 254 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા, મોબાઈલ સહિત કુલ 18.48 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. માત્ર કાપોદ્રા પોલીસે જ કુલ 109 આરોપીઓને પકડી 17 કેસ દાખલ કર્યા હતા. અને તેમની પાસેથી 5.01 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પકડાયેલા જુગારીઓમાં ઘણી મહિલાઓ પણ પકડાઈ હતી. હાલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 જેટલી મહિલાઓ હોવાનું જાણવા મળ્યું હતું. તમામ જુગારીઓને પકડી જુગારના કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Most Popular

To Top