સંવેદનશીલ વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ, કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે પ્રયાસ
વડોદરા તા.18
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. જેને લઈ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ વિવિધ શાખાઓના પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ ભાગ લઈ શહેરમાં કાયદાની પકડ વધુ મજબૂત કરવાની દિશામાં કામગીરી કરી હતી.

વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે ત્યારે આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચે દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામા આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર વર્માની દોરવણી હેઠળ ઇન્ચાર્જ એસીપી તથા ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી., ઇકો સેલ, સાયબર ક્રાઇમ અને એમઓબીના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી.
ફ્લેગ માર્ચ દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની દેખરેખ વધારવામાં આવી અને શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો, ગુનાખોરીને કાબૂમાં રાખવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.
પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને કારણે પ્રજાજનોમાં વિશ્વાસ વધ્યો છે અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.