Charchapatra

સુવિધા કે સંકટ?

મેટ્રો શહેરોમાં ‘૧૦ મિનિટમાં ડિલિવરી’ આપતી ક્વિક કોમર્સ કંપનીઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેની પાછળનું સત્ય અત્યંત ચિંતાજનક છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલ મુજબ, શહેરમાં જ આ સુવિધાને કારણે રોજના સાડા ચાર હજાર લીટર પેટ્રોલનો બિનજરૂરી વપરાશ થાય છે અને વાયુ પ્રદૂષણમાં દૈનિક ૧૩ હજાર કિલો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. સુવિધાના નામે અપનાવવામાં આવેલી આ સિસ્ટમ આપણાં શહેરોને ‘અર્બન હીટ આઇલેન્ડ’ અને શ્વસનતંત્રના રોગોનું ઘર બનાવી રહી છે. આ ગંભીર પર્યાવરણીય કટોકટી સામે તાત્કાલિક વહીવટી પગલાં, કંપનીઓની નીતિમાં બદલાવ અને સામાજિક જાગૃતિ લાવવી અનિવાર્ય બની ગઈ છે.

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તાત્કાલિક કડક નિયમન (Regulation) લાવવું જરૂરી છે, પરંતુ આવી કંપનીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ વ્યવહારુ ઉકેલ નથી. જો આ સેવાઓ એકાએક બંધ કરવામાં આવે, તો હજારો ડિલિવરી પાર્ટનર્સ (ગીગ વર્કર્સ) ની આજીવિકા જોખમાશે અને મોટું રોજગારીનું સંકટ ઊભું થશે. તેના બદલે, સરકારે ઓર્ડર માટે ‘સ્લોટ સિસ્ટમ’ ફરજિયાત કરવી જોઈએ, જેથી ડિલિવરી રાઇડર એક જ ફેરામાં ૧૦ થી ૨૦ ઓર્ડર પહોંચાડી શકે અને બિનજરૂરી આંટાફેરા ઘટે. સરકારી કાયદા, કંપનીઓની પર્યાવરણીય નીતિ અને ગ્રાહકોની સભાનતા આ ત્રણેયના સમન્વયથી જ આપણે આપણાં શહેરોને ભવિષ્યમાં શ્વાસ લેવા લાયક રાખી શકીશું.
સુરત     – ડૉ. પંકજ ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top