Gujarat

સમર વેકેશનમાં મુસાફરો માટે ખુશખબર, અમદાવાદ-મુંબઈ અને ઉધના રૂટ પર સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત

ઉનાળાની રજાઓ દરમિયાન ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને સરળ અને આરામદાયક મુસાફરી મળી રહે તે માટે અમદાવાદ, મુંબઈ અને સુરત સહિતના રૂટ પર ખાસ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મુસાફરો અને પરપ્રાંતિય શ્રમિકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. રેલવે દ્વારા કુલ 5 નવી ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉધના (સુરત)થી બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈ અને અમદાવાદ વચ્ચે પણ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેથી બંને શહેર વચ્ચે મુસાફરી વધુ સરળ બની રહેશે.

સૌથી મહત્વની ટ્રેન ઉધના-સાંત્રાગાછી સ્પેશિયલ છે, જે 20 અને 25 એપ્રિલે ઉધનાથી રવાના થશે અને 22 તથા 27 એપ્રિલે પરત ફરશે. આ ટ્રેન નંદુરબાર, ભુસાવલ, નાગપુર, રાયપુર, બિલાસપુર અને ખડગપુર જેવા મુખ્ય સ્ટેશનો પરથી પસાર થશે. ખાસ વાત એ છે કે આ ટ્રેન આધુનિક 22 કોચના અમૃત ભારત રેક સાથે દોડશે, જે મુસાફરોને વધુ સુવિધા આપશે. આ સિવાય બિહાર તરફ જતાં મુસાફરો માટે બે અનરિઝર્વ્ડ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. ઉધના-જયનગર અને ઉધના-મધુબની ટ્રેનો 19 એપ્રિલે ઉધનાથી રવાના થશે અને બીજા દિવસે પરત આવશે. આ ટ્રેનોમાં તમામ કોચ જનરલ રાખવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ લોકો ટિકિટ લઈને મુસાફરી કરી શકે. મુંબઈથી ઈન્દોર વચ્ચે પણ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન 20 એપ્રિલથી 29 મે સુધી દર સોમવાર અને શુક્રવારે દોડશે. તે બોરીવલી, વાપી, સુરત, વડોદરા, દાહોદ, રતલામ અને ઉજ્જૈન જેવા સ્ટેશનો પર રોકાશે.

આ ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન 22 એપ્રિલથી 28 મે સુધી દર બુધવારે મુંબઈથી અને ગુરુવારે અમદાવાદથી દોડશે. તે બોરીવલી, વાપી, સુરત અને વડોદરા જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. રેલવે તંત્રએ મુસાફરોને આગોતરા રિઝર્વેશન કરાવવા અપીલ કરી છે, જેથી અંતિમ સમયે મુશ્કેલી ન પડે. આ ખાસ વ્યવસ્થાથી ઉનાળામાં મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે.

Most Popular

To Top