મધ્યસ્થ જેલની બેરેકમાં અચાનક થયેલી ઝડતીમાં કાચા આરોપી પાસેથી સીમકાર્ડ વગરનો મોબાઇલ જપ્ત
ફોન જેલમાં પહોંચ્યો કેવી રીતે..? પોલીસ તપાસમાં અનેક રહસ્યો ઉકેલાવાની શક્યતા
વડોદરા તા.28
વડોદરા મધ્યસ્થ જેલમાં સુરક્ષા વ્યવસ્થાને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે. જેલ તંત્રની અચાનક થયેલી ઝડતી દરમિયાન કાચા કામના કેદી કાસમ આલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસેન સુનીના હાથના બાવડામાં સંતાડેલો મોબાઇલ ફોન મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જેલમાં આ મોબાઇલ પહોંચ્યો કેવી રીતે અને તેની પાછળ કોણ જવાબદાર છે તે મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં તા. 27 જુલાઈના રોજ સાંજે આશરે 5:05 વાગ્યે યાર્ડ નં. 11ની બેરેક નં. 4માં જેલ અધિકારીઓ અને સ્થાનિક ઝડતી સ્ક્વોડ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કાચા આરોપી કાસમાલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસન કાદરમિયા સુન્નીની અંગઝડતી કરવામાં આવતા તેના ડાબા હાથના બાવડામાં રબરથી બાંધીને સંતાડેલો કેચાડા કંપનીનો ગોલ્ડન કલરનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન અને તેની બેટરી મળી આવ્યો હતી. જેલ સ્ટાફે તાત્કાલિક મોબાઇલ કબજે કરી તેની વિગતો નોંધી હતી. આ બનાવ અંગે જેલર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે આરોપી સામે પ્રિઝન એક્ટની સંબંધિત કલમો તેમજ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. હવે પોલીસ અને જેલ તંત્ર એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે પ્રતિબંધિત મોબાઇલ જેલની અંદર કોણે પહોંચાડ્યો, તેનો ઉપયોગ કોની સાથે સંપર્ક સાધવા માટે થતો હતો અને તેની પાછળ કોઈ સંગઠિત નેટવર્ક તો કાર્યરત નથી ને? આ તપાસમાં અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.