10 દિવસમાં જગ્યા ખાલી કરવાની સૂચના, નહીં તો બુલડોઝર કાર્યવાહીની ચેતવણી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં નોટિસના સમયને લઈ ચર્ચાઓ તેજ
ડભોઇ:
ડભોઇ શહેરના ઈદગાહ અને માછીવાડ ખાડા વિસ્તારમાં રેલ્વે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવતા સ્થાનિક રહીશો વચ્ચે ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. રેલ્વે અધિકારીઓની ટીમે રહીશોને 10 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સૂચના આપતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, એશિયાના પ્રથમ નેરોગેજ મથક તરીકે ઓળખાતા ડભોઇ રેલ્વે રૂટને બ્રોડગેજમાં રૂપાંતરિત કર્યા બાદ પ્રતાપનગરથી જોબટ સુધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત પ્રતાપનગરથી કરજણ અને એકતા નગર સુધી પણ ટ્રેનો દોડી રહી છે. આ કામગીરીને પગલે રેલ્વે તંત્ર દ્વારા સ્ટેશનની આજુબાજુના વિસ્તારોમાં રેલ્વે જમીન પર થયેલા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસ મુજબ 10 દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં કરવામાં આવે તો બુલડોઝર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ કાર્યવાહી દરમિયાન કોઈ અવરોધ ઊભો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નોટિસ આપેલો વિસ્તાર નગરપાલિકાના વોર્ડ નં. 2માં આવે છે અને હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોવાથી નોટિસના સમયને લઈ લોકોમાં વિવિધ ચર્ચાઓ ઉઠી રહી છે. સાથે જ લગ્નસરાની સિઝન વચ્ચે આવી કાર્યવાહીથી અસરગ્રસ્ત પરિવારોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે.
હાલ સ્થાનિકોમાં રેલ્વે તંત્ર દબાણકારોને વધુ સમય આપશે કે સીધી બુલડોઝર કાર્યવાહી હાથ ધરશે તે અંગે ઉત્સુકતા અને આક્રોશ બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર: દીપક જોશી