Gujarat

ચાંદખેડા ઢોસા કાંડ, બે બાળકીના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ પણ સત્ય હજુ દૂર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે નાની બાળકીઓના શંકાસ્પદ મોતનો કેસ હજુ સુધી સ્પષ્ટ રીતે ઉકેલાયો નથી. શરૂઆતમાં આ ઘટના ખીરું ખાધા બાદ બની હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે તપાસ આગળ વધતાં કેસ વધુ ગૂંચવણભર્યો બનતો જઈ રહ્યો છે. આ ગુંચવાડાને ઉકેલવા ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) નો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. પરંતુ આ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પોસ્ટમોર્ટમ દરમિયાન લીધેલા વિસેરા સેમ્પલનો રિપોર્ટ પેનલ ડોક્ટરોને મોકલવામાં આવ્યો છે. હવે ડોક્ટરો આ રિપોર્ટના આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ એટલે કે મોતનું સાચું કારણ નક્કી કરશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડોક્ટરોની અંતિમ રિપોર્ટ આવ્યા વગર કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય નથી. આ રિપોર્ટ સોમવાર અથવા મંગળવાર સુધીમાં આવવાની શક્યતા છે.

આ કેસમાં એક નવી ગૂંચવણ ત્યારે ઊભી થઈ જ્યારે મૃતક બાળકીઓના માતા-પિતાના નિવેદનમાં ફેરફાર જોવા મળ્યો. પહેલા તેઓએ કહ્યું હતું કે બાળકીઓએ ખીરું ખાધું હતું, જેના કારણે તબિયત બગડી. પરંતુ હવે તેઓ ખીચડી અને ચોકલેટ ખાધી હોવાની વાત કરી રહ્યા છે. આ બદલાતા નિવેદનોને કારણે પોલીસ માટે સાચી હકીકત સુધી પહોંચવું વધુ મુશ્કેલ બની ગયું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માતા-પિતાની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી પણ મળી આવી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ અંગે લખાણ નોંધાયેલું હતું. આ મુદ્દે માતા ભાવનાબેને જણાવ્યું કે, તેમની પહેલેથી એક દીકરી હતી અને બીજી સંતાન તરીકે દીકરો થાય એવી સામાન્ય ઈચ્છા હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ માત્ર સામાન્ય વિચાર હતો અને તેને કોઈ અંધશ્રદ્ધા કે શંકાસ્પદ બાબત સાથે જોડવું યોગ્ય નથી. પોલીસએ પણ હાલ આ મુદ્દાને ગંભીર શંકા તરીકે લીધેલ નથી. હાલમાં સમગ્ર કેસ ડોક્ટરોના અંતિમ અભિપ્રાય પર નિર્ભર છે. રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે આ એક દુર્ઘટના છે, બેદરકારીનું પરિણામ છે કે પછી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે. ત્યાં સુધી આ ઘટના અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે અને સત્ય બહાર આવવાની રાહ જોવામાં આવી રહી છે.

Most Popular

To Top