Business

સુરતથી દુબઈ અને સિંગાપોરની સીધી ફ્લાઈટ શરૂ થશે, મોદીના અધિકારીઓએ બુર્સની મુલાકાત લેતા ચર્ચા ઉઠી

સુરત: (Surat) સુરતના આકાશમાંથી જ્યારે તમે ઉડાન ભરો છો, ત્યારે તમને વિશ્વનો સૌથી મંત્રમુગ્ધ કરનારો નજારો જોવા મળે એવું આયોજન સુરત ડાયમંડ બુર્સના (Surat Diamond Burse) સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2022ના અંતમાં સુરત એરપોર્ટના (Surat Airport) 353 કરોડના વિકાસના કામો પૂર્ણ થાય એને સમાંતર સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનું આયોજન ચાલી રહ્યું છે. ડિસેમ્બરમાં ડાયમંડ બુર્સ કાર્યરત થવા સાથે સુરતથી દુબઇ, (Dubai) સિંગાપોરની (Singapore) ફલાઇટ (Flight) શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના જોઈન્ટ ડાયરેક્ટર અરવિંદ ત્રિપાઠી પછી વડાપ્રધાનના સુરત આગમન પહેલા એરપોર્ટ ઓથોરિટીના અધિકારી જૈન પણ બુર્સની સુવિધાનું નિરીક્ષણ કરી ચુક્યા છે. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન પણ સુરત એરપોર્ટની મુલાકાતે આવી નિરીક્ષણ કરી ગયા છે. એવિએશન સેક્ટર સાથે સંકળાયેલા અધિકારીઓ ડાયમંડ બુર્સની મુલાકાતે આવી રહ્યાં છે.એને લઈને ચર્ચાઓ ઉપડી છે કે, તાતા – સિંગાપોર ગ્રુપની દેશની સૌથી પ્રીમિયમ એરલાઈન્સ વિસ્તારા સુરત થી દુબઇ અને સિંગાપોરની ફ્લાઈટ શરૂ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ સફળ થાય એ માટે ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી સુરતને મળે એ માટે ભરચક પ્રયાસ કરી રહ્યાં છે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના જોઈન્ટ ડાયરેક્ટર અરવિંદ ત્રિપાઠીએ પ્રોજેક્ટની વિશાળતાથી લઈ સ્થળ પર અમલમાં મૂકવામાં આવેલી સુરક્ષા સુવિધાઓને લગતી વિગતો જાણી હતી. ડાયમંડ બુર્સના બ્યુટીફિકેશનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. 5 જુને સુરત હીરા બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દિવડાઓની મહા આરતી થશે. 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના ગેટ અને ડાયમંડ બુર્સના બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી લાટિંગ્સનું ટ્રાયલ રન ચાલી રહ્યું છે. અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના બ્યુટીફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. બુર્સની કેટલીક ઓફિસોના ફર્નિચરના કામ પૂર્ણ થઈ ગયા છે અને કેટલીક ઓફિસોમાં ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે.

બુર્સના પ્રથમ ફેઝમાં 2.6 કિલોમીટરમાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા, પાણી, ડ્રેનેજ નેટવર્ક, ઇલેક્ટ્રિક બ્યુટીફિકેશનની કામગીરી 104 કરોડના ખર્ચે શરૂ થઈ હતી. બીજા ફેઝમાં 215 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું હતું. બુર્સના વહીવટી ભવન સાથે 53000 ચોમી. જગ્યામાં ગ્રીન સ્પેસ વિકસાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. બીજી તરફ તાતા – સિંગાપોર ગ્રુપની દેશની સૌથી પ્રીમિયમ એરલાઈન્સ વિસ્તારાએ દિલ્હી, બેંગલુરૂની ફ્લાઈટ માટે સ્લોટ માંગણી કરી છે. એરલાઈન્સ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતી હોવાથી સુરતથી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વધારવાનો પ્રશ્ન ઉકેલાઈ શકે છે. એવિએશન ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારી ડાયમંડ બુર્સની મુલાકાત લઈ રહ્યાં છે. એરલાઈન્સ કંપનીઓના અધિકારીઓ પણ બુર્સની મુલાકાત લે એવું આયોજન ચાલી રહ્યું છે. એ દર્શાવે છે કે કોઈ નવી જાહેરાત થઈ શકે છે. જીજેઈપીસીના રિજયોનલ ચેરમેન દિનેશ નાવડીયા કહે છે કે બુર્સ ચાલુ થશે એને સમાંતર દુબઇ, સિંગાપોર, હોંગકોંગની ફ્લાઈટ મળવી જોઈએ. કારણકે બુર્સમાં કસ્ટમને લગતી મંજૂરીઓ પણ માંગવામાં આવી છે.

Most Popular

To Top