National

ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં રસોઈ ગેસ (LPG)ની અછત ન સર્જાય તે માટે સમયસર મોટું આયોજન કર્યું છે. સરકાર હવે માત્ર પરંપરાગત સપ્લાય પર નિર્ભર રહેવાને બદલે વિશ્વના વિવિધ દેશોમાંથી તાત્કાલિક ખરીદી કરીને ગેસ મંગાવી રહી છે. આ પગલું દેશના લાખો ઘરેલુ અને કોમર્શિયલ ગ્રાહકો માટે રાહતભર્યું માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારી ઓઇલ કંપનીઓ (OMCs)એ તાજેતરમાં અમેરિકા સહિતના અનેક દેશો સાથે LPG સપ્લાય માટે કરારો કર્યા છે. આ કાર્ગો જૂન અને જુલાઈ સુધીમાં ભારતમાં પહોંચવાની સંભાવના છે. આ રીતે, સરકાર પહેલાથી જ પુરવઠો મજબૂત બનાવી રહી છે જેથી કોઈ પણ સંકટ સમયે બજારમાં અછત ન સર્જાય. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ભારતમાં દરરોજ અંદાજે 80,000 ટન LPGની જરૂર પડે છે. હાલ ઘરેલુ ઉત્પાદન વધારીને લગભગ 46,000 ટન પ્રતિ દિવસ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ બાકીની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. તેથી સરકાર આયાતના વિકલ્પોને વધુ વિસ્તૃત કરી રહી છે.

અગાઉ ભારતની લગભગ 90 ટકા LPG સપ્લાય ખાડી દેશો જેમ કે યુએઈ, કતર, સાઉદી અરેબિયા અને કુવૈત પરથી આવતી હતી. પરંતુ હાલના તણાવને જોતા ભારતે હવે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જીરિયા અને રશિયા જેવા દેશો તરફ વળ્યું છે. આ પગલાથી ભારતની સપ્લાય ચેઈન વધુ સુરક્ષિત અને વિવિધ બની રહી છે. સરકાર દ્વારા આશરે 8 લાખ ટન LPGનો જથ્થો પહેલેથી જ બુક કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટ જેવા સંવેદનશીલ માર્ગ પરથી આવેલા 10 જહાજોમાંથી 9માં LPG જ હતું, જે દર્શાવે છે કે પુરવઠો જાળવવા માટે સરકાર સક્રિય રીતે કામ કરી રહી છે. નિષ્ણાતોના મત મુજબ, ‘સ્પોટ ખરીદી’ની આ નીતિ સંકટ સમયે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આથી જરૂર મુજબ તરત જ ગેસ ઉપલબ્ધ થાય છે અને કિંમતોને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. આ સમગ્ર આયોજનને કારણે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. આગામી મહિનાઓમાં LPG સિલિન્ડરની અછત સર્જાય તેવી શક્યતા ઓછી છે. સરકારનું સ્પષ્ટ વલણ છે કે કોઈપણ પરિસ્થિતિમાં દેશમાં રસોઈ ગેસનો પુરવઠો ખોરવાઈ નહીં દેવામાં આવે.

Most Popular

To Top