અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. લાસ વેગાસમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે અમેરિકા ઇરાન સામે બીજા વિશ્વયુદ્ધ બાદની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું. જોકે, અંતિમ ક્ષણે ઇરાન તરફથી વાતચીતની ઇચ્છા દર્શાવતો સંદેશ મળતાં આ કાર્યવાહી અટકાવવામાં આવી હતી. ટ્રમ્પના આ નિવેદન બાદ ફરી એકવાર અમેરિકા અને ઇરાન વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા તેજ બની છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની સ્પષ્ટ નીતિ છે કે ઇરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર વિકસાવવા દેવામાં આવશે નહીં. તેમના જણાવ્યા મુજબ, જો પરિસ્થિતિ કાબૂ બહાર જાય તો અમેરિકા કડક પગલાં ભરવામાં પણ પાછળ નહીં રહે. જોકે, તેમણે ઉમેર્યું કે જો ચર્ચા અને કૂટનીતિ દ્વારા ઉકેલ આવી શકે તો યુદ્ધ કરતાં સમજૂતી વધુ યોગ્ય રસ્તો છે.
તેમણે દાવો કર્યો કે અમેરિકા એક અત્યંત શક્તિશાળી હુમલાની તૈયારીમાં હતું, પરંતુ તે પહેલાં જ ઇરાન તરફથી સંદેશ આવ્યો કે બંને દેશોએ ટેબલ પર બેસીને વાતચીત કરવી જોઈએ. ટ્રમ્પે કહ્યું કે હાલ બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને તેઓ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવાને બદલે સારો કરાર કરવા માંગે છે. ટ્રમ્પે અગાઉની અમેરિકન સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ઇરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે જે પગલાં ઘણા વર્ષો પહેલાં લેવાં જોઈએ હતા, તે હવે લેવામાં આવી રહ્યા છે. તેમના મત મુજબ, ઇરાનનું પરમાણુ શક્તિ તરીકે ઉભરવું માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષા માટે ગંભીર જોખમ બની શકે છે.
આ દરમિયાન ટ્રમ્પે વેનેઝુએલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જેમ અમેરિકાએ વેનેઝુએલા સામે કડક નીતિ અપનાવી હતી, તેવી જ રીતે ઇરાન સામે પણ મજબૂત વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. તેમના મતે, આ અભિગમના કારણે અમેરિકા પોતાના વ્યૂહાત્મક હેતુઓ હાંસલ કરવામાં સફળ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ ઇરાન મુદ્દે અલગ-અલગ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. એક તરફ તેઓ ઇરાન સામે કડક કાર્યવાહી કરવાની વાત કરે છે, તો બીજી તરફ કૂટનીતિક સમજૂતીની પણ આશા વ્યક્ત કરે છે. તેમના તાજેતરના નિવેદનથી ફરી એકવાર એ સ્પષ્ટ થયું છે કે અમેરિકા દબાણ અને સંવાદ બંને રસ્તાઓ ખુલ્લા રાખવા માંગે છે.
બીજી તરફ, હોર્મુઝ જળમાર્ગને લઈને પણ મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું છે કે હોર્મુઝ જળડમરૂમધ્યમાં જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ઇરાન અને ઓમાન વચ્ચે કરાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. જો કોઈ બાહ્ય અવરોધ નહીં આવે તો ટૂંક સમયમાં બંને દેશો સંયુક્ત નિવેદન જાહેર કરી શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક માનવામાં આવે છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલનો મોટો હિસ્સો આ જળમાર્ગમાંથી પસાર થાય છે. તેથી અહીં કોઈપણ પ્રકારનો તણાવ અથવા અવરોધ વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર સીધી અસર કરી શકે છે. આવી સ્થિતિમાં ઇરાન અને ઓમાન વચ્ચેનો સંભવિત કરાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.