National

પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી

ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ચંદીગઢમાં તૈનાત સેનાના સૂબેદારના નિધન બાદ તેમનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સ મારફતે તેમના વતન દેવરિયા લઈ જવામાં આવી રહ્યો હતો. દરમિયાન સુલતાનપુર પાસે એમ્બ્યુલન્સ આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માત પૂર્વાંચલ એક્સપ્રેસવે પર માઈલ સ્ટોન 79 પાસે સર્જાયો હતો. એમ્બ્યુલન્સમાં સેનાના સૂબેદાર સત્યવાન ફૌજીનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. તેમના પરિવારના સભ્યો પાર્થિવ દેહને લઈને ચંદીગઢથી દેવરિયા સ્થિત તેમના વતન જઈ રહ્યા હતા. રસ્તામાં એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાતા તેમાં સવાર ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ચારેયના મોત થયા હતા.

મૃતકોમાં એમ્બ્યુલન્સ ચાલક જસપાલ, રાજન સિંહ, ગૌરવ સિંહ અને રામ સમજનો સમાવેશ થાય છે. મૃતકોમાં સૂબેદાર સત્યવાન ફૌજીના પુત્ર, ભાઈ અને ભત્રીજાનો પણ સમાવેશ થાય છે. સેનાના જવાનના પાર્થિવ દેહને ઘરે લઈ જતી વખતે જ પરિવારના ચાર સભ્યોના મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સૂબેદાર સત્યવાન ફૌજી દેવરિયા જિલ્લાના રુદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. ચંદીગઢમાં તેમનું અવસાન થયા બાદ પરિવારજનો તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જઈ રહ્યા હતા. પરિવાર માટે આ પહેલેથી જ દુઃખની ઘડી હતી, પરંતુ રસ્તામાં સર્જાયેલા અકસ્માતે આ દુઃખને વધુ ઘેરું બનાવી દીધું છે.

અકસાનની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે એમ્બ્યુલન્સમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તમામ મૃતદેહોને કબજામાં લઈને અયોધ્યાના કુમારગંજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માત બાદ એક્સપ્રેસવે પર પણ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, સૂબેદાર સત્યવાન ફૌજીના પાર્થિવ દેહ સાથે તેમનો પુત્ર અને પરિવારના અન્ય સભ્યો દેવરિયા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સુલતાનપુર જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોતથી પરિવાર અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. પિતાનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાની સફર પરિવાર માટે અંતિમ સફર સાબિત થઈ હતી. સેનાના જવાનના નિધનનું દુઃખ હજુ ઓછું થયું નહોતું ત્યાં જ તેમના પરિવારના સભ્યો પણ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Most Popular

To Top