IPL 2026ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ધમાકેદાર બેટિંગ કરીને પંજાબ કિંગ્સ સામે 265 રનનો વિશાળ ટાર્ગેટ મુક્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને માત્ર 2 વિકેટ ગુમાવીને 264 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો. આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. દિલ્હીની આ શાનદાર ઇનિંગમાં કે.એલ. રાહુલ હીરો સાબિત થયો. તેણે અણનમ 152 રનની ધમાકેદાર સદી ફટકારી, જે IPL ઇતિહાસમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. તેણે અભિષેક શર્માનો 141 રનનો રેકોર્ડ તોડી નાખ્યો. રાહુલને નીતિશ રાણાનો પણ જબરદસ્ત સાથ મળ્યો, જેમણે 91 રન બનાવ્યા. બંને વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની ભાગીદારી થઈ, જેના કારણે પંજાબના બોલર્સ પર ભારે દબાણ આવ્યું.
પરંતુ આ મેચ દરમિયાન એક ચિંતાજનક ઘટના પણ બની, જેણે સૌને ચોંકાવી દીધા. પંજાબના બોલર લુંગી એન્ગિડી કેચ પકડવાના પ્રયાસમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. ત્રીજી ઓવરમાં અક્ષર પટેલના બોલ પર બેટ્સમેન દ્વારા મારેલા શોટને કેચ કરવા માટે એન્ગિડી પાછળ દોડ્યો, પરંતુ બોલનો અંદાજ ખોટો પડતા તે સંતુલન ગુમાવી બેઠો અને પાછળની તરફ પડી ગયો. આ દરમિયાન તેનું માથું જોરથી જમીન સાથે અથડાયું, જેના કારણે તે તરત જ મેદાન પર પડી રહ્યો. તેણે પોતાનું માથું પકડી લીધું અને થોડીવાર સુધી ઊભો થઈ શક્યો નહીં. મેડિકલ ટીમ તરત જ મેદાન પર પહોંચી અને તેની સારવાર શરૂ કરી. સારા સમાચાર એ છે કે એન્ગિડી હોશમાં હતો અને વાત કરી રહ્યો હતો, છતાં સુરક્ષાના ભાગરૂપે તેને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો. સ્થિતિ ગંભીર લાગતી હોવાથી એમ્બ્યુલન્સ પણ મેદાન પર બોલાવવામાં આવી અને એન્ગિડીને વધુ સારવાર માટે સ્ટેડિયમ બહાર લઈ જવામાં આવ્યો. એક તરફ દિલ્હીના બેટ્સમેનોનો રનવરસાદ કરી રહ્યા હતા અને બીજી તરફ એન્ગિડીની ઈજાએ આ મેચમાં ચિંતા પણ વધારી દીધી છે.

