National

ભારતીય બંદરો પર હાઇ એલર્ટ કાગળ પર UAEનો માલ પાકિસ્તાની હોવાનું બહાર આવ્યું

પાકિસ્તાનથી થતી આયાત પર ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને બાયપાસ કરવાનો પ્રયાસ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. DRIએ કાંડલા પોર્ટ પર દરોડો પાડીને પાકિસ્તાનમાં ઉત્પાદિત 364 મેટ્રિક ટન સૂકા ખજૂરનો જથ્થો જપ્ત કર્યો છે. ભારતીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા આ સ્પેશિયલ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ કાંડલા બંદર પર આવેલી 13 કન્ટેનરની એક મોટી ખેપ અટકાવી હતી. પ્રારંભિક દસ્તાવેજોમાં આ માલ યુએઈથી આયાત કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં આ માલ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું.

દુબઈ થઈ ભારત મોકલવાનું રચાયું હતું ષડયંત્ર

DRIની તપાસમાં ખુલાસો થયો છે કે આયાતકારોએ ભારત સરકારના નિયમોથી બચવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી હતી. પાકિસ્તાનથી આ સૂકા ખજૂરનો જથ્થો સૌપ્રથમ દુબઈ (યુએઈ) મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી ભારત મોકલતા પહેલા તેને અન્ય કન્ટેનરોમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મૂળ ઉત્પાદન સ્થળ છુપાવી શકાય.

આયાતકારો સામે આરોપ છે કે તેમણે પાકિસ્તાની વસ્તુઓની આયાત પરના પ્રતિબંધમાંથી બચવા માટે મહત્વની માહિતી છુપાવી હતી અને સામાન કયા દેશનો છે તે અંગે તંત્રને ખોટી માહિતી પૂરી પાડી હતી. આ બનાવો અને ગેરકાયદેસર રીતરસમોને કારણે કસ્ટમ્સ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ સમગ્ર કન્સાઇન્મેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે.

આયાત પ્રતિબંધ અને કસ્ટમ્સ તંત્રની કડક કાર્યવાહી

ભારતે પાકિસ્તાન સામે આકરા આર્થિક પગલાંના ભાગરૂપે આયાત પર કડક નિયંત્રણો લાદેલા છે. આ નિયમોનો ભંગ કરીને માલ મોકલવાની વધતી પ્રવૃત્તિઓ પર ડીઆરઆઈ અને કસ્ટમ્સ વિભાગ સતત બાજ નજર રાખી રહ્યા છે. આ ઓપરેશન બાદ ડીઆરઆઈએ આયાત સાથે જોડાયેલા સ્થાનિક સિંડિકેટ અને એજન્ટો સામે વધુ તપાસ હાથ ધરી છે. ભવિષ્યમાં આવા ગેરકાયદેસર રસ્તે માલ ઘુસાડવાના પ્રયાસોને અટકાવવા માટે કસ્ટમ્સ પોર્ટ્સ પર દેખરેખ વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

Most Popular

To Top