આધાર કાર્ડ આજે દેશના સૌથી મહત્વના ઓળખ દસ્તાવેજોમાંથી એક છે. બેંક ખાતું ખોલાવવું હોય, સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, સિમ કાર્ડ લેવું હોય કે અન્ય કોઈ સત્તાવાર કામ કરવું હોય, લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. તેથી તેમાં નોંધાયેલી તમામ માહિતી સાચી અને અપડેટ હોવી ખૂબ જરૂરી છે. ઘણી વખત લગ્ન, સ્પેલિંગની ભૂલ, કાનૂની રીતે નામ બદલવું અથવા અન્ય કારણોસર લોકો આધાર કાર્ડમાં નામ સુધારાવવાની જરૂરિયાત અનુભવે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે આધાર કાર્ડમાં નામ બદલવાની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના નિયમો મુજબ કોઈપણ વ્યક્તિ પોતાના આધાર કાર્ડમાં વધુમાં વધુ બે વખત જ નામ અપડેટ કરાવી શકે છે. એટલે કે જો તમે બે વખત નામ બદલાવી ચૂક્યા હો, તો સામાન્ય પ્રક્રિયા દ્વારા ત્રીજી વખત નામ બદલાવવાની અરજી સ્વીકારવામાં આવતી નથી. આ નિયમનો હેતુ આધાર ડેટાબેઝમાં માહિતીની વિશ્વસનીયતા જાળવી રાખવાનો અને વારંવાર થતા બિનજરૂરી ફેરફારોને રોકવાનો છે.
આથી જ્યારે પણ આધાર કાર્ડમાં નામ બદલાવવા જાઓ ત્યારે અરજી કરતા પહેલાં તમામ વિગતો સારી રીતે ચકાસવી જોઈએ. અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં નામની સ્પેલિંગ, જન્મતારીખ અને અન્ય વિગતો યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. એક નાની ભૂલ પણ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
જો કોઈ વ્યક્તિ બે વખતની મર્યાદા પૂરી કરી ચૂક્યો હોય અને ત્યારબાદ પણ નામમાં સુધારો કરવાની જરૂર પડે, તો પણ કેટલીક ખાસ પરિસ્થિતિમાં રાહત મળી શકે છે. UIDAI આવા કેસમાં ‘એક્સેપ્શન અપડેટ’ એટલે કે વિશેષ મંજૂરીની પ્રક્રિયા હેઠળ અરજી સ્વીકારી શકે છે. જોકે, આ સુવિધા દરેક માટે આપમેળે ઉપલબ્ધ નથી. અરજદારે નામ બદલવાનું યોગ્ય અને માન્ય કારણ રજૂ કરવું પડે છે અને તેની સાથે જરૂરી દસ્તાવેજો પણ આપવા પડે છે.
જો તમને ત્રીજી વખત નામ બદલાવવું હોય, તો સૌથી પહેલાં નજીકના સત્તાવાર આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. ત્યાં નામ બદલવા માટે સામાન્ય અરજી કરવાની રહેશે અને નવા નામને સમર્થન આપતા મૂળ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જો સિસ્ટમ બે વખતની મર્યાદાને કારણે અરજી સ્વીકારશે નહીં, તો પછી વિશેષ મંજૂરી માટે UIDAIનો સંપર્ક કરવો પડશે.
વિશેષ મંજૂરી માટે અરજી કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ વિગતો આપવી જરૂરી રહેશે. તેમાં આધાર અપડેટ રિક્વેસ્ટ નંબર (URN), આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર, નામ બદલવાનું સ્પષ્ટ કારણ, અન્ય સંપર્ક વિગતો અને સંબંધિત ઓળખના દસ્તાવેજો સામેલ છે. આ તમામ માહિતીના આધારે UIDAI અરજીની તપાસ કરીને નિર્ણય લે છે. UIDAIનો સંપર્ક કરવા માટે અરજદાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1947 પર ફોન કરી શકે છે. ઉપરાંત સત્તાવાર ઈમેલ દ્વારા પણ પોતાની રજૂઆત મોકલી શકાય છે. જો રજૂ કરાયેલા કારણો અને દસ્તાવેજો યોગ્ય જણાશે, તો ખાસ મંજૂરી મળવાની શક્યતા રહે છે.
આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની માહિતી અપડેટ કરાવતી વખતે માત્ર અધિકૃત આધાર સેવા કેન્દ્રનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ કે બિનઅધિકૃત એજન્ટને વ્યક્તિગત માહિતી કે દસ્તાવેજો આપવાથી બચવું જોઈએ. સાથે જ અરજી કર્યા બાદ મળતો URN નંબર સાચવી રાખવો જોઈએ, જેથી અરજીની સ્થિતિ સરળતાથી જાણી શકાય. આધાર કાર્ડમાં નામ બદલવાની મર્યાદા હોવા છતાં, જો ખરેખર જરૂરી પરિસ્થિતિ હોય અને યોગ્ય પુરાવા ઉપલબ્ધ હોય, તો UIDAIના નિયમો હેઠળ વિશેષ મંજૂરી મેળવીને ત્રીજી વખત પણ નામ અપડેટ કરાવવાની તક મળી શકે છે. તેથી જો તમારી સામે આવી પરિસ્થિતિ હોય, તો ગભરાવાની જરૂર નથી. યોગ્ય દસ્તાવેજો સાથે સત્તાવાર પ્રક્રિયા અનુસરીને અરજી કરશો તો તમારા કેસની તપાસ કરીને નિર્ણય લેવામાં આવશે.