ભારત અને મ્યાનમાર વચ્ચે વર્ષોથી અટવાયેલો સરહદ વિવાદ ટૂંક સમયમાં ઉકેલાઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. અહેવાલો મુજબ, બંને દેશો વચ્ચે સરહદના કેટલાક વણઉકેલાયેલા વિસ્તારોમાં જમીનની અદલાબદલી કરવાનો પ્રસ્તાવ વિચારાધીન છે. જોકે, આ મુદ્દે મણિપુરમાં સ્થાનિક સંગઠનો દ્વારા વિરોધ શરૂ થઈ ગયો છે અને રાજ્યની જમીનનો કોઈ પણ ભાગ મ્યાનમારને સોંપવામાં ન આવે તેવી માંગ ઉઠી રહી છે. નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત-મ્યાનમાર સરહદ પર કેટલાક વિસ્તારો એવા છે, જ્યાં હજુ સુધી સરહદ સંપૂર્ણ રીતે નક્કી થઈ નથી. આ વિસ્તારોના ઉકેલ માટે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. જોકે, તેમણે જમીનની અદલાબદલી અંગે સીધી પુષ્ટિ કરી નહોતી.
આ ચર્ચા અમેરિકન મેગેઝિન ‘ધ ડિપ્લોમેટ’ના એક અહેવાલ બાદ તેજ બની છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મણિપુરના ચંદેલ જિલ્લામાં આવેલા બોર્ડર પિલર નંબર 65 અને 68 વચ્ચેના આશરે 1.4 ચોરસ માઈલ વિસ્તાર અંગે બંને દેશો જમીનની અદલાબદલી પર વિચાર કરી રહ્યા છે. આ વિસ્તાર મ્યાનમારના સગાઈંગ ક્ષેત્રની કાબાવ ઘાટીને અડીને આવેલો છે.
ભારત અને મ્યાનમાર વચ્ચે કુલ 1,643 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે. આ સરહદ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાંથી પસાર થાય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, તેમાંના લગભગ 1,472 કિલોમીટર વિસ્તારમાં સરહદ સ્પષ્ટ રીતે નક્કી થઈ ચૂકી છે, જ્યારે આશરે 171 કિલોમીટર વિસ્તાર હજુ પણ વિવાદિત છે. આ વિવાદ મુખ્યત્વે અરૂણાચલ પ્રદેશના લોહિત વિસ્તાર અને મણિપુરની કાબાવ ઘાટી સાથે જોડાયેલો છે. બંને દેશો વચ્ચેની હાલની સરહદ 1967ના દ્વિપક્ષીય કરાર હેઠળ નક્કી કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, જમીનની અદલાબદલીનો મુખ્ય હેતુ બાકી રહેલી સરહદને સ્પષ્ટ કરીને સમગ્ર સીમા પર ફેન્સિંગનું કામ પૂર્ણ કરવાનો છે. સરકારનું માનવું છે કે તેનાથી ઘૂસણખોરી, ગેરકાયદેસર સ્થળાંતર, ઉગ્રવાદીઓની અવરજવર અને સરહદ પારના ગુનાઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે વર્ષ 2024માં ભારત-મ્યાનમાર સરહદ પર તબક્કાવાર વાડ બાંધવાની યોજના જાહેર કરી હતી. સાથે જ વર્ષ 2018થી અમલમાં રહેલી ‘ફ્રી મૂવમેન્ટ રિજીમ’ને પણ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ વ્યવસ્થા હેઠળ સરહદ નજીક રહેતા લોકો વિઝા વગર 16 કિલોમીટર સુધી અવરજવર કરી શકતા હતા.
આ પ્રસ્તાવ સામે મણિપુરમાં વિરોધ વધી રહ્યો છે. મૈતેઇ નાગરિક સંગઠનોના સંયુક્ત મંચ COCOMIએ સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યની એક ઇંચ જમીન પણ મ્યાનમારને સોંપવામાં ન આવે. સંગઠનનું કહેવું છે કે મણિપુરની પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી સ્વીકાર્ય નહીં હોય. જો સ્થાનિક લોકોની સંમતિ વગર આવો નિર્ણય લેવામાં આવશે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
ભારત અગાઉ પણ સરહદ વિવાદ ઉકેલવા માટે જમીનની અદલાબદલીનો માર્ગ અપનાવી ચૂક્યું છે. વર્ષ 2015માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 41 વર્ષ જૂના સરહદ વિવાદનો અંત લાવવા માટે 162 એન્ક્લેવની અદલાબદલી કરવામાં આવી હતી. હવે મ્યાનમાર સાથે પણ સરહદ વિવાદનો કાયમી ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ આ મુદ્દે મણિપુરમાં વધતો વિરોધ સરકાર માટે પડકાર બની શકે છે.