Sports

વુમન્સ એશિયા કપનો કાર્યક્રમ જાહેર, 28 ઓગસ્ટથી શરૂ થશે વુમન્સ એશિયા કપ, 5 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટક્કર

વુમન્સ એશિયા કપ 2026 માટે ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ટુર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટની સૌથી ચર્ચિત ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 5 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો ગ્રુપ-Aમાં સામેલ હોવાથી લીગ તબક્કામાં જ આ હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. મહિલા એશિયા કપની શરૂઆત 28 ઓગસ્ટથી થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ થાઈલેન્ડ અને હોંગકોંગ-ચીન વચ્ચે રમાશે. સમગ્ર ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજાશે અને તમામ મેચો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ વખતે કુલ 8 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ અને હોંગકોંગ-ચીનનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, UAE અને ઇન્ડોનેશિયાને સ્થાન આપવામાં આવ્યું છે.

ગ્રુપ સ્ટેજ પૂર્ણ થયા બાદ બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ત્યારબાદ વિજેતા ટીમો વચ્ચે 13 સપ્ટેમ્બરે ફાઇનલ મેચ રમાશે અને નવી ચેમ્પિયન ટીમનો નિર્ણય થશે. T20 ફોર્મેટમાં આ મહિલા એશિયા કપની છઠ્ઠી આવૃત્તિ છે. અત્યાર સુધી રમાયેલી પાંચ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે. ભારતીય મહિલા ટીમે સૌથી વધુ ત્રણ વખત ખિતાબ જીત્યો છે. જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાએ એક-એક વખત ટ્રોફી જીતી છે. શ્રીલંકાની ટીમ હાલની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને આ વખતે પણ પોતાના ખિતાબને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર હંમેશાની જેમ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. બંને ટીમો વચ્ચેની ટક્કર ટુર્નામેન્ટની સૌથી મોટી મેચોમાંથી એક માનવામાં આવી રહી છે.

Most Popular

To Top