World

AIનો વધતો પ્રભાવ, Visaએ વિશ્વભરમાં 2,600 કર્મચારીઓને છૂટા કર્યા, ભારત પણ પ્રભાવિત

એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના વધતા ઉપયોગ વચ્ચે વૈશ્વિક પેમેન્ટ કંપની Visaએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ વિશ્વભરમાં લગભગ 2,600 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા છે, જે તેની કુલ વર્કફોર્સના આશરે 7 ટકા જેટલા થાય છે. આ નિર્ણયની અસર ભારત સહિત અનેક દેશોમાં જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં પણ અનેક કર્મચારીઓને છટણીનો સામનો કરવો પડ્યો છે. જોકે, કંપનીએ ભારતમાં કેટલા કર્મચારીઓને હટાવવામાં આવ્યા તેની સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

માહિતી મુજબ, 29 જુલાઈની વહેલી સવારે 4થી 5 વાગ્યાની વચ્ચે અનેક કર્મચારીઓને ઈ-મેઇલ દ્વારા છટણીની જાણ કરવામાં આવી હતી. ઘણા કર્મચારીઓ દિવસની શરૂઆત કરે તે પહેલાં જ તેમની નોકરી ગુમાવી બેઠા હતા. એક ભારતીય ટીમમાં 28માંથી 10 કર્મચારીઓને હટાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ છટણી માત્ર જુનિયર કર્મચારીઓ સુધી મર્યાદિત રહી નહોતી. સિનિયર ડિરેક્ટર્સ, એન્જિનિયરિંગ મેનેજર્સ અને લાંબા સમયથી કંપનીમાં કાર્યરત કર્મચારીઓ પણ તેની અસર હેઠળ આવ્યા છે.

ભારતમાં Visaના બેંગલુરુ, મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં મોટા ટેકનોલોજી અને કોર્પોરેટ સેન્ટર્સ કાર્યરત છે. કંપનીમાં ભારતમાં 3,500થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા. સૌથી વધુ અસર ટેકનોલોજી અને પ્રોડક્ટ ટીમમાં કામ કરતા કર્મચારીઓ પર જોવા મળી છે. કંપનીના સીઈઓએ જણાવ્યું છે કે Visaની આગામી વ્યૂહરચનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન્દ્રસ્થાને છે. કંપની હવે માત્ર AI ટૂલ્સનો ઉપયોગ જ નહીં, પરંતુ વધુ અદ્યતન ‘એજેન્ટિક AI’ ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે. કંપનીનું માનવું છે કે આ નવી ટેકનોલોજી ભવિષ્યમાં કાર્યક્ષમતા વધારવામાં અને નવીનતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Most Popular

To Top