ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અને તેના પરિણામે પીડાતા પરિવારજનો માટે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો એક સીમાચિહ્નરૂપ નિર્ણય સાબિત થવા જઈ રહ્યો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે નવી કાર માટે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સની મુદત ૩ વર્ષથી વધારીને ૪ વર્ષ અને નવી ટુ-વ્હીલર માટે ૫ વર્ષથી વધારીને ૬ વર્ષ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશથી હવે દેશના માર્ગો પર વગર વીમા દોડતા વાહનો પર લગામ કસાશે અને દુર્ઘટનાના પીડિતોને સમયસર વળતર મેળવવામાં કાનૂની સરળતા રહેશે. દાસત્વ અને બેદરકારીનું ચિત્ર દર્શાવતા આંકડા સંસદની સ્થાયી સમિતિના અહેવાલમાં સામે આવ્યા છે, જેને સુપ્રીમ કોર્ટે પણ ટાંક્યો છે. દેશમાં નોંધાયેલા આશરે ૩૦.૪૮ કરોડ વાહનોમાંથી ૧૬.૫૪ કરોડ વાહનો પાસે માન્ય વીમો નથી. આનો સીધો અર્થ એ થયો કે દેશના રસ્તાઓ પર દોડતા ૫૬ ટકા વાહનો કોઈપણ પ્રકારના થર્ડ પાર્ટી પ્રોટેક્શન વગર મુસાફરી કરી રહ્યા છે.
આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ૨૦૨૨માં દેશમાં ૪,૬૧,૩૧૨ રોડ અકસ્માત નોંધાયા હતા, જે વધારીને ૨૦૨૩માં ૪,૮૦,૫૮૩ અને ૨૦૨૪માં ૪,૮૭,૭૦૫ સુધી પહોંચી ગયા છે. અકસ્માતોની સંખ્યામાં સતત થતો આ વધારો દર્શાવે છે કે જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ માર્ગ અકસ્માતનો ભોગ બને છે, ત્યારે જો સામે વાળા વાહન પાસે માન્ય વીમો ન હોય તો પીડિત કે તેના પરિવારજનોએ લાંબી અને ખર્ચાળ કાનૂની લડાઈ લડવી પડે છે.
આ નિર્ણય સામે વીમા નિયામક આઈઆરડીએઆઈ અને જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલે વિરોધ નોંધાવ્યો હતો. તેમની મુખ્ય દલીલ એ હતી કે, આ નિર્ણયથી નવા વાહન ખરીદનારા ગ્રાહકો પર શરૂઆતી તબક્કે જ આર્થિક બોજ વધશે, લાંબા ગાળાના ઈન્શ્યોરન્સથી અનરજિસ્ટર્ડ કે વગર વીમાના વાહનોની એકંદર સંખ્યામાં બહુ મોટો ફેરફાર નહીં આવે. પરંતુ, સુપ્રીમ કોર્ટે નાણાકીય પાસાં કરતાં નાગરિકોના જીવન, માર્ગ સુરક્ષા અને દુર્ઘટના પીડિતોના હિતોને પ્રાથમિકતા આપી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સનો મૂળ હેતુ માત્ર પીડિતને નાણાકીય વળતર આપવાનો નથી, પરંતુ તેમને લાંબા સમય સુધી ચાલતી કાનૂની ગૂંચવણોથી બચાવવાનો પણ છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે નવી કાર માટે ૩ વર્ષ અને નવી બાઇક માટે ૫ વર્ષનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કર્યો હતો. પરંતુ આટલા વર્ષોના અનુભવ બાદ કોર્ટને જણાયું કે શરૂઆતના વર્ષો પૂરા થયા પછી મોટાભાગના વાહનમાલિકો વીમાનું નવીકરણ કરાવવાનું ભૂલી જાય છે અથવા ટાળે છે. મુદતમાં કરવામાં આવેલો ૧-૧ વર્ષનો આ વધારો રસ્તા પર દોડતા વાહનોને વધુ સમય માટે કાનૂની રીતે સુરક્ષિત કરશે. માત્ર વીમાની મુદત વધારવાથી સમસ્યા ઉકેલાઈ જશે નહીં, તેની કડક અમલવારી પણ એટલી જ જરૂરી છે.
આ માટે સુપ્રીમ કોર્ટે કેટલાક ક્રાંતિકારી સૂચનો અને નિર્દેશો આપ્યા છે: હાઈવે અને મુખ્ય માર્ગો પર લાગેલા ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન કેમેરાને ‘ઈન્શ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો’ અને ‘વાહન પોર્ટલ’ સાથે જોડવામાં આવશે. જેથી વગર વીમાના વાહનોની ઓળખ થતાં જ આપોઆપ ઈ-ચલાન જનરેટ થઈ શકે. રાજ્ય પોલીસને એવા પોર્ટેબલ ઉપકરણો આપવામાં આવશે જેનાથી ઘટનાસ્થળ પર જ વાહનના ઈન્શ્યોરન્સનું સ્ટેટસ ચકાસી શકાય.
સુપ્રીમ કોર્ટે મોટર વાહન મંત્રાલય અને IRDAIને એક પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવા કહ્યું છે. જેના હેઠળ જો પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનનો વીમો એક્સપાયર થઈ ગયો હોય, તો તેને પેટ્રોલ કે ડીઝલ આપવાનું રોકવા જેવા આકરા વિકલ્પો પર વિચારણા કરવામાં આવશે. સરકાર અને અદાલત કાયદાઓ ઘડીને સુરક્ષા કવચ પૂરું પાડી શકે છે, પરંતુ અંતે તો વાહનમાલિકોએ પોતે પણ આત્મમંથન કરવાની જરૂર છે. થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ એ કોઈ વધારાનો ટેક્સ કે આર્થિક બોજ નથી, પરંતુ રસ્તા પર ચાલતી વખતે અન્ય નાગરિકો પ્રત્યેની આપણી સામાજિક અને કાનૂની જવાબદારીનું પ્રતીક છે. નવું વાહન ખરીદતી વખતે આ વધારાનો ખર્ચ લાંબા ગાળે સુરક્ષા અને શાંતિ આપનારો સાબિત થશે. જો આપણે સુરક્ષિત અને જવાબદાર સમાજનું નિર્માણ કરવું હોય, તો કાયદાના પાલનની સાથે સાથે માર્ગ સુરક્ષાના નિયમોને સહજતાથી સ્વીકારવા જ પડશે.