Entertainment

બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ

જી હા, મેં હું ખલનાયક, બોલિવુડની આ કલ્ટ ફિલ્મ ખલનાયક ફરી ચર્ચામાં છે. 33 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ ‘ખલનાયક 2’ બનાવવાની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. અભિનેતા સંજય દત્ત ફરી એકવાર પોતાના યાદગાર પાત્ર બલ્લુ તરીકે પરત ફરવા તૈયાર છે. કુછ કહાની ખતમ નહીં હોતી…ફિર સે શુરૂ હોતી હૈ, ટેગલાઇન સાથે સંજય દતે એમના X અકાઉન્ટ પર આ ફિલ્મનું ટીઝર અને ફોટોસ મૂકયા છે.

મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યારે સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા પર ટીઝર પણ શેર કર્યુ હતું, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સંજય દત્તે આ પ્રસંગે એક રસપ્રદ વાત પણ શેર કરી. તેમણે જણાવ્યું કે ખલનાયક 2 બનાવવાનો વિચાર તેમને જેલમાં આવ્યો હતો. જેલમાં રહેતા સમયે તેઓ સંગીત વગાડતા હતા અને ખલનાયક ફિલ્મના ગીતો કેદીઓમાં ખૂબ લોકપ્રિય હતા. સંજય દત્તે જણાવ્યું કે તેમણે જેલમાં લગભગ 4000 કેદીઓને પૂછ્યું હતું કે તેઓ ‘ખલનાયક 2’ જોવા માંગે છે કે નહીં, અને બધાએ ઉત્સાહપૂર્વક હાથ ઊંચા કર્યા હતા. ત્યારબાદ તેમણે કેદીઓને ફિલ્મ માટે વિચારો લખવા કહ્યું. પેરોલ પર બહાર આવ્યા પછી સંજય દત્તે તેમાંથી કેટલાક વિચારો પસંદ કર્યા અને ફિલ્મમેકર સુભાષ ઘઈ સાથે ચર્ચા કરી.

1993માં રિલીઝ થયેલી ખલનાયક તે સમયની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. સંજય દત્તનો બલ્લુનો રોલ આજે પણ લોકોના દિલમાં જીવંત છે. આ ફિલ્મ બાદ સંજય દત્તને બોલિવૂડમાં એક અલગ ઓળખ મળી હતી. હવે, વર્ષો પછી આ પાત્ર ફરીથી પડદા પર જોવા મળશે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ‘ખલનાયક 2’નું ટીઝર દર્શાવે છે કે ફિલ્મમાં ફરીથી એક શક્તિશાળી અને ડાર્ક પાત્ર જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અને અન્ય સ્ટારકાસ્ટ વિશે હજી સુધી વધારે વિગતો બહાર આવી નથી, પરંતુ માત્ર જાહેરાતથી જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમ થયો છે. આ ફિલ્મ માત્ર નૉસ્ટેલ્જિયા જ નહીં, પણ નવી પેઢી માટે પણ એક મોટો સિનેમેટિક અનુભવ સાબિત થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે ‘ખલનાયક 2’ પહેલા ભાગ જેવી જ સફળતા મેળવે છે કે નહીં.

Most Popular

To Top