ગાંધીનગર
ગુજરાતમાં આવનાર 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવતીકાલે તા.24મી એપ્રિલના રોજ સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થઈ જશે.ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાનાર છે.
રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યમાં કુલ 26,196 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 1,536 ઉમેદવારોએ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું, જ્યારે 11,344 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. આ સાથે જ 313 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
પાર્ટીવાર આંકડાઓ પર નજર કરીએ તો ભાજપના 9,245, કોંગ્રેસના 8,443 અને આમ આદમી પાર્ટીના 5,263 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે 2,575 ઉમેદવારો અપક્ષ અથવા અન્ય નાના પક્ષો તરફથી ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં ત્રિપક્ષીય ટક્કર જોવા મળી રહી છે, જે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહી છે.
આ ચૂંટણીમાં એક નોંધપાત્ર બાબત એ છે કે નગરપાલિકાઓમાં 276 બેઠકો પર બિનહરીફ વિજય નોંધાયો છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં એક પણ બેઠક બિનહરીફ નથી, જે ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર રાજકીય મુકાબલાની સંભાવના દર્શાવે છે.
આ તરફ ભારતીય જનતા પાર્ટીએ મતદાન પહેલાં જ પોતાની મજબૂત સ્થિતિ બનાવી છે. પક્ષના જણાવ્યા મુજબ કુલ 10,005 બેઠકોમાંથી અત્યાર સુધી 724 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજય મેળવી ચૂક્યો છે. ખાસ કરીને 260 તાલુકા પંચાયતોમાં 252 બેઠકો અને 34 જિલ્લા પંચાયતોમાં 52 બેઠકો પર ભાજપને પહેલેથી જ સમર્થન મળી ચૂક્યું છે, આમ પોતાની વિરોધી પાર્ટીઓની સરખામણીએ ભાજપનો હાથ ઉંચો રહયો છે.
ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકોના નવા રોટેશન મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતદાન 26 એપ્રિલે યોજાશે અને પરિણામો 28 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવશે.સમગ્ર રાજ્યમાં હવે ચૂંટણીને લઈને ઉત્સુકતા વધી રહી છે અને મતદાનના દિવસે મતદારોનો પ્રતિસાદ કેવો રહે છે તે પર સૌની નજર ટકેલી છે.