Education

GTUની 28 મેની પરીક્ષા બકરી ઈદના કારણે સ્થગિત

સરકારે 28 મેના રોજ જાહેર રજા જાહેર કરતા લેવાયો નિર્ણય
નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

( પ્રતિનિધિ ) વડોદરા, તા.23
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આગામી 28 મેના રોજ યોજાનારી પરીક્ષા સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બકરી ઈદ (ઈદ ઉલ અઝહા)ના તહેવારને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટી દ્વારા જણાવાયું છે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે અગાઉ 27 મેના રોજ જાહેર કરાયેલી રજામાં ફેરફાર કરીને હવે 28 મેના રોજ બકરી ઈદની જાહેર રજા જાહેર કરી છે. આ બદલાવને પગલે જીટીયુએ 28 મેના રોજ યોજાનારી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
યુનિવર્સિટી દ્વારા જણાવાયું છે કે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને તે અંગે સત્તાવાર પરિપત્ર જીટીયુની અધિકૃત વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને નિયમિત રીતે યુનિવર્સિટીની વેબસાઈટ તપાસતા રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બકરી ઈદના કારણે રાજ્યભરની સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ-નિગમો તથા પંચાયત કચેરીઓમાં 28 મેના રોજ જાહેર રજા રહેશે. પરિણામે પરીક્ષા આયોજનમાં મુશ્કેલી ઊભી થતાં સમયપત્રકમાં ફેરફાર અનિવાર્ય બન્યો હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર રજાઓમાં સુધારો કરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. તે મુજબ અગાઉ 27 મે માટે જાહેર કરાયેલી ઈદ ઉલ અઝહાની રજા રદ કરીને હવે 28 મેના રોજ જાહેર કરવામાં આવી છે. જેના કારણે 27 મેના રોજ તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.

Most Popular

To Top