સીએનજીના વધેલા ભાવની સીધી અસર સ્કૂલ ટ્રાન્સપોર્ટ પર પડશે
નવા શૈક્ષણિક સત્રમાં ફી બાદ હવે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધવાની શક્યતા
( પ્રતિનિધિ ) વડોદરા, તા.24
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો થવાના એંધાણ વચ્ચે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી ઇંધણ અને ખાસ કરીને સીએનજીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2024ની સરખામણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો અંદાજે 10 રૂપિયાનો વધારો થયો હોવાનું કહેવાય છે. જેના કારણે સ્કૂલ ટ્રાન્સપોર્ટ ચલાવતા વાન અને રિક્ષા ચાલકો પર ખર્ચનો વધારાનો બોજ પડ્યો છે.
હાલમાં શહેરમાં સ્કૂલ વાનનું માસિક ભાડું અંદાજે 1200 રૂપિયા સુધી અને રિક્ષાનું ભાડું ઓછામાં ઓછું 750 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે. જોકે, નવા શૈક્ષણિક સત્રથી આ ભાડામાં 10 થી 15 ટકા સુધીનો વધારો થઈ શકે તેવી શક્યતા વાન-રિક્ષા સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે.
વાલીઓનું કહેવું છે કે નવા સત્રમાં પહેલેથી જ પુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ ફી અને અન્ય ખર્ચનો બોજ વધ્યો છે. હવે જો વાન-રિક્ષાના ભાડામાં પણ વધારો થશે તો માસિક બજેટ વધુ ખોરવાઈ જશે. ખાસ કરીને એકથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય તેવા પરિવારો માટે આ વધારાનો ખર્ચ ચિંતાનો વિષય બન્યો છે.
જોકે, વાન-રિક્ષા એસોસિએશન તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સીએનજીના વધેલા ભાવને કારણે ભાડા વધારો લગભગ અનિવાર્ય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શાળાઓ જૂન મહિનામાં શરૂ થતાં જ નવા દર અમલમાં આવી શકે છે.