Vadodara

ખાસવાડી સ્મશાન મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજ લાલઘૂમ

પાલિકા સામે રામધૂન બોલાવી ‘કુંભકર્ણ’ વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ

15 કરોડના ખર્ચે સ્મશાનનું 90% નવીનીકરણ પૂરું, પણ કરોડો લોકોની આસ્થા સમાન ‘દશપિંડ વિધિ’ની જગ્યા વણવપરાયેલી રહેતા ભારે રોષ

(પ્રતિનિધિ), વડોદરા. તા.24

વડોદરામાં વહીવટી તંત્રની ઉદાસીનતા અને વચનભંગના કારણે વધુ એક વિવાદ વકર્યો છે. કારેલીબાગ સ્થિત ઐતિહાસિક ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે દશપિંડ વિધિની જગ્યાના નવીનીકરણ મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા, આખરે સમાજના અગ્રણીઓ અને લોકોએ સ્મશાન ગૃહ ખાતે જ એકત્રિત થઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. ભક્તિભાવ સાથે રામધૂન બોલાવીને સમાજે “કુંભકર્ણની ઘેરી નિંદ્રામાં” પોઢેલા પ્રશાસનને જગાડવાનો શંખનાદ કર્યો છે.

વર્ષ 2023માં CSR ફંડ અંતર્ગત પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાની હેઠળ ખાસવાડી સ્મશાન ગૃહના આધુનિક નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આશરે ₹15 કરોડ જેટલું માતબર ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ, જ્યારે આ કામગીરી શરૂ થઈ ત્યારે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે સ્મશાનની સાથે-સાથે દશપિંડ વિધિ (મૃત્યુ પછીના ધાર્મિક સંસ્કાર) માટેની પવિત્ર જગ્યાનું પણ સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવશે.

વર્તમાન સ્થિતિએ સ્મશાન ગૃહના નવીનીકરણની કામગીરી આશરે 90 ટકા જેટલી પૂર્ણ થવા આવી છે. સ્મશાનનો નવો નજારો ઉભો થઈ રહ્યો છે, પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે જે દશપિંડ વિધિની જગ્યા સુધારવાનું વચન અપાયું હતું, ત્યાં હજુ સુધી ઈંટનો એક ટુકડો પણ ખસ્યો નથી ! ત્યાં કોઈ જ પ્રકારની કામગીરી શરૂ ન કરાતા સમાજ સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી વ્યાપી ગઈ છે.

અમે કમિશનરથી લઈને સાંસદ-ધારાસભ્ય સુધી સૌને રજૂઆત કરી, પણ પરિણામ શૂન્ય !
સમાજના પ્રતિનિધિઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ ગંભીર મુદ્દે તેઓએ મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય બાલુ શુક્લા તેમજ સાંસદ હેમાંગ જોશી સહિતના ઉચ્ચ પદાધિકારીઓને રૂબરૂ મળીને લેખિત આવેદનપત્ર પાઠવ્યા છે. તંત્ર માત્ર આશ્વાસનોની લોલીપોપ આપી રહ્યું છે અને આજદિન સુધી ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

વારંવારની રજૂઆતો બહેરા કાને અથડાઈને પાછી આવતા, આખરે મહારાષ્ટ્રીયણ સમાજના લોકોનો સંયમ ખૂટ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ખાસવાડી સ્મશાન ખાતે એકઠા થયા હતા અને દશપિંડ વિધિની એ જ ઉપેક્ષિત જગ્યા પર બેસીને હાથમાં તાળીઓ સાથે ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ની રામધૂન શરૂ કરી દીધી હતી. વિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું કે, આ રામધૂન શાસકો અને અધિકારીઓની બુદ્ધિ શુદ્ધ કરવા અને તેમની આંખ-કાન ખોલવા માટે છે.

મહારાષ્ટ્રીયણ સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા સ્પષ્ટ ચીમકી આપી છે કે, વડોદરાના વિકાસમાં અને સંસ્કૃતિમાં આ સમાજનો મોટો ફાળો રહ્યો છે. ધાર્મિક આસ્થા સાથે થતી ખીલવાડ ચલાવી લેવાશે નહીં. જો આગામી દિવસોમાં દશપિંડ વિધિની જગ્યાના નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે, જેની તમામ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.

હવે જોવાનું એ રહે છે કે, કરોડોના પ્રોજેક્ટ વચ્ચે કરોડો લોકોની લાગણી વટાવનારું આ પ્રશાસન આ અનોખા વિરોધ પછી જાગે છે કે પછી પોતાની ‘કુંભકર્ણ નિંદ્રા’ ચાલુ રાખે છે !

Most Popular

To Top