Gujarat

ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ૨૯ મે થી ૨ જૂન દરમિયાન ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાશે

દેશનાં ૨૫ જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બે હજાર જેટલા ખેલાડીઓ સામેલ થવાની અપેક્ષા

ગાંધીનગર,
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર ખાતે આગામી તા. ૨૯ મેથી ૨ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ’ યોજાનાર છે. આ સ્પર્ધામાં દેશનાં ૨૫ જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે બે હજાર જેટલા ખેલાડીઓ સામેલ થાય તેવો અંદાજ છે. આર્મ રેસલિંગ ફેડરેશન ઑફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સબ-જુનિયર, જુનિયર, યુવા, સિનિયર અને માસ્ટર્સ એમ વિવિધ કેટેગરીમાં મહિલા તેમજ પુરુષ સ્પર્ધકો ભાગ લેશે. આ સીમાચિહ્નરૂપ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ તા. ૩૦ મે, ૨૦૨૬ના રોજ યોજાશે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ઉપ કુલપતિ ડૉ. કલ્પેશ વાંડ્રાએ જણાવ્યું હતુ કે, વર્ષ-૨૦૨૯માં અમદાવાદ-ગુજરાતમાં યોજાનારી ‘વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ’ની વિવિધ ૮ જેટલી રમતો RRU ખાતે યોજાવાની છે, જે માટેનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે.

યુનિવર્સિટીની આ સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખીને તથા રાષ્ટ્રીય અને વૈશ્વિક રમતગમત ઇકોસિસ્ટમમાં ગુજરાતના વધતા યોગદાનને વેગ આપવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ આયોજન પાછળ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોના યજમાનપદ માટે અમદાવાદ-ગુજરાતની મજબૂત દાવેદારી માટેનું વિઝન પણ જોડાયેલું છે.

Most Popular

To Top