પાણીગેટ અને દશરથ વિસ્તારમાં રેડ કરવામાં આવી, બે વોન્ટેડ, વિદેશી દારૂ સહિત રૂ.1.52 લાખનો મુદ્દામાલ કબજે


વડોદરા તા 24
વડોદરા શહેરના સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ ન થાય તેના માટે પીસીબી પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. અને પાણી ગેટ તથા દશરથ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરીને 97 હજારના વિદેશી દારૂ સાથે રૂ.1.52 લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત બે આરોપી ઝડપાઈ ગયા હતા.જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
વડોદરા શહેરમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા દેશી વિદેશી સહિતના દારૂના વેચાણ હેરાફેરી પર કાર્યવાહી કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને પીસીબીના પીઆઈ જે.આર. ગામીતની સુચના હેઠળ ટીમે અલગ-અલગ વિસ્તારોમાં રેઇડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં પાણીગેટ વિસ્તારમાં શીતળા માતાની ગલીમાં રહેતી વિજેતાબેન કહાર મોપેડમાં દારૂ લઈ આવતી હોવાનું જાણવા મળ્યું હતું. પીસીબી પોલીસે વોચ ગોઠવી મહિલાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પીસીબીએ રૂ.15 હજારના દારૂ અને રૂ.50હજારની મોપેડ મળી રૂ.65 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે સુનિલ ઉર્ફે નાથાભાઈ (અલવા ગામ) ને વોન્ટેડ જાહેર કર્યો છે.બીજી તરફ દશરથ ગામના ઇન્દીરાનગર વિસ્તારમાં નવદુર્ગા સોસાયટીમાં રહેતા કલ્પેશ બારીયા પોતાના ઘરે દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ પરથી રૂ.82 હજારના દારૂ અને એક મોબાઇલ સહિત રૂ.87 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં અજય (ઉચાપાન, પંચમહાલ) ફરાર છે.
- કપુરાઈ પોલીસે એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારને ત્રણ મુસાફરોને ઝડપી પાડ્યા
કપુરાઈ પોલીસને બાતમી મળી હતી કે, છોટાઉદેપુર-પાલનપુર બસમાંથી કપુરાઈ ચોકડી પાસે ઉતરેલા ત્રણ મુસાફરો થેલાઓમાં દારૂ લાવ્યા છે. જેથી પોલીસે થાવલી નારણ દલસિંગ તોમર, વિપુલ દલસિંગ તોમર અને અલ્કેશ મંગલા ટોકરીયાની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.44 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.