SURAT

સુરત મહાનગરપાલિકાની અદ્યતન સુમન શાળા તૈયાર:

યોગી ચોક પાસે ધોરણ 9-10 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ,બે પાળીમાં ચાલશે શાળા, રાજ્ય સરકારે આપી વિશેષ મંજૂરી,મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળશે ગુણવત્તાસભર શિક્ષણ: પ્રફુલ પાનશેરિયા

સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ પહેલ તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા યોગી ચોક નજીક મહાવીર ચોક વિસ્તારમાં અત્યાધુનિક સુમન શાળાનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. સુરત શહેરના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને આધુનિક શિક્ષણ મળી રહે તે હેતુસર તૈયાર કરાયેલી આ શાળામાં હવે ધોરણ 9 અને 10 માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ નવીન શાળા પ્રકલ્પના માર્ગદર્શક અને રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ ભાઈ પાનશેરિયાએ શાળાની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે અને તેમાં શિક્ષણ ક્ષેત્રને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું કે, મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી શાળાઓ જેવી જ ઉચ્ચ સ્તરની શિક્ષણ સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે મળે તે હેતુથી આ અદ્યતન સુમન શાળાની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર આધુનિક માળખું, સક્ષમ શિક્ષકમંડળ અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બે પાળીમાં શિક્ષણ વ્યવસ્થા
આ શાળાની સૌથી વિશેષ બાબત એ છે કે અહીં બે પાળીમાં શિક્ષણ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે વિશેષ મંજૂરી આપવામાં આવી છે. સવારની પાળીમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પણ શિક્ષણનો લાભ મળી રહે તે માટે ધોરણ 9 અને 10 ના વર્ગો બીજી પાળીમાં પણ શરૂ કરવામાં આવશે.મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શાળામાં પ્રવેશ મેરિટના આધારે આપવામાં આવશે. ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

આગામી વર્ષથી ધોરણ 11-12 પણ શરૂ થશે
આ શાળાને ભવિષ્યમાં વધુ વિસ્તૃત બનાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. પ્રફુલ પાનશેરિયાએ જાહેરાત કરી હતી કે આગામી વર્ષથી આ જ કેમ્પસમાં ધીમે ધીમે ધોરણ 11 અને 12 ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે.તેના કારણે વિદ્યાર્થીઓને પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનું સંપૂર્ણ શિક્ષણ એક જ સ્થળે પ્રાપ્ત થશે.વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.

ખાનગી શાળાઓને ટક્કર આપે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
મંત્રીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે આસપાસના વિસ્તારમાં ઘણી ખાનગી શાળાઓ હોવા છતાં આ સુમન શાળાનું ભવન, આધુનિક સુવિધાઓ અને શિક્ષક સ્ટાફ તેમની સરખામણીએ વધુ ઉત્તમ છે.શાળામાં ક્વોલિફાઇડ અને અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક વાતાવરણ, સ્વચ્છતા, સુરક્ષા અને ટેકનોલોજી આધારિત શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઝીરો લેવલ પર લાવવાનો મુખ્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શિક્ષણથી કોઈ વિદ્યાર્થી વંચિત ન રહે તે માટે સુરત મહાનગરપાલિકા સતત પ્રયાસ કરી રહી છે.

સુરતમાં શિક્ષણ ક્ષેત્રે મોટા પાયે વિકાસ
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 942 નવા સ્કૂલ રૂમોને મંજૂરી આપવામાં આવી હતી. તેના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં આધુનિક અને સુવિધાસભર શાળાઓનું નિર્માણ થઈ રહ્યું છે. સુરત શહેરના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર અને મનપા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ પ્રસંગે મંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને શિક્ષણ સાથે જોડાયેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

વાલીઓને વહેલી તકે સંપર્ક કરવા અનુરોધ
નોંધનીય છે કે, આ અદ્યતન સુમન શાળા મહાવીર ચોક ખાતે સ્થિત છે, જે નાના વરાછાથી આવતા પહેલા ચોક નજીક આવેલ છે.ધોરણ 9 અને 10 માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સોમવારથી શનિવાર દરમિયાન શાળાનો સીધો સંપર્ક કરી શકે છે.શાળા સંચાલન તરફથી વાલીઓને વહેલી તકે પોતાના બાળકોના એડમિશન માટે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સમયસર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

Most Popular

To Top