Shinor

શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી મનીષા અને એહમદ જામીન પર મુક્ત, 31 લાખથી વધુની રકમ રિકવર

શિનોર:
શિનોર પોલીસ મથકે નોંધાયેલા ચકચારી હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતા ભુરા વસાવા અને આરોપી એહમદ પઠાણના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે બંનેને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે મનીષા પાસેથી રૂ. 2 લાખ રોકડા તેમજ એહમદ પાસેથી એક બાઈક રિકવર કરતા અત્યાર સુધી કુલ અંદાજે રૂ. 31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં શિનોરના હરેશ પટેલે 6 ફેબ્રુઆરી 2026ના રોજ 9 આરોપીઓ વિરુદ્ધ રૂ. 75,75,550ની બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ મનીષા અને તેના મળતિયાઓએ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી અલગ-અલગ સ્થળોએ બોલાવી, નગ્ન વીડિયો બનાવી, બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમજ સમાજમાં બદનામ કરવાની બીક બતાવી મોટી રકમ પડાવી લીધી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે અનવર ટેલર મારફતે ફરિયાદીનો સંપર્ક મનીષા સાથે કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મનીષાએ મળતિયાઓ સાથે મળીને ફરિયાદીને ભયભીત કરી ટુકડે-ટુકડે રૂ. 75 લાખથી વધુની રકમ પડાવી હતી. માલસર-માંડવા રોડ પર આવેલ ખેતરના મકાનમાં ફરિયાદીને માર માર્યાનો પણ આક્ષેપ છે.
આ કેસમાં અત્યાર સુધી કુલ 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. શિનોર કોર્ટમાં રજૂ કરાયેલા બંને આરોપીઓની જામીન અરજી એમ.એમ. સૈયદ, પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ફર્સ્ટ ક્લાસ દ્વારા મંજૂર રાખવામાં આવી હતી. કોર્ટે રૂ. 95 હજારના સ્થાનિક જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા અને વિવિધ શરતોના આધારે જામીન મંજૂર કર્યા છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top