પૈસા ડબલ કરવાની લાલચે લોકો બન્યા શિકાર
સુરત શહેરમાં ‘DSJ Wealth Sharing’ નામની એપ દ્વારા કરોડોની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પૈસા ડબલ કરવાની લાલચ આપીને ગરીબ અને મધ્યમ વર્ગના અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. ફરિયાદી યુસુફ ખાન રસુલખાન પઠાણ અને અન્ય પીડિતોના જણાવ્યા મુજબ, આ એપ મારફતે લોકોને રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. એટલુજ નહી યોજના મુજબ, એક લાખ રૂપિયા જમા કરાવનાર વ્યક્તિએ રોજ બે વખત ગ્રૂપમાં આપવામાં આવતા કોડનો ઉપયોગ કરવાનો રહેતો હતો. કંપની દ્વારા 45 દિવસમાં રોકાણની રકમ ડબલ કરવાની ખાતરી આપવામાં આવતી હતી.
આ ઉપરાંત બીજી એક સ્કીમમાં સભ્યોને કહેવામાં આવતું હતું કે જો તેઓ પોતાના હાથ નીચે પાંચ નવા સભ્યો જોડશે તો માત્ર 18 દિવસમાં જ પૈસા ડબલ થઈ જશે. આકર્ષક વચનો અને શરૂઆતમાં કેટલાક લોકોને નફો મળતા વધુ લોકો એપ સાથે જોડાતા ગયા.પરંતુ હવે પીડિતોનો આક્ષેપ છે કે છેલ્લા લગભગ 15 દિવસથી તમામ ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. લોકો પોતાનું જમા કરાવેલું નાણું ઉપાડી શકતા નથી. આ દરમિયાન ગેંગ દ્વારા નવી શરત મૂકી છે કે ખાતામાં રહેલી રકમના 12.5 ટકા વધુ ભર્યા બાદ જ એકાઉન્ટ ફરી શરૂ થશે અને પૈસા ઉપાડી શકાશે.
પીડિતોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે થોડા લોકોને પૈસા પરત આપવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં મોટી સંખ્યામાં લોકોના નાણાં અટવાઈ ગયા છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ કૌભાંડનો સૌથી વધુ ભોગ બન્યા છે.ઘણા લોકો પાસે યોગ્ય દસ્તાવેજો કે કાયદાકીય પુરાવા પણ નથી, જેના કારણે તેઓ વધુ પરેશાન બન્યા છે. અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
હાલમાં પીડિતો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. લોકો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સુરત શહેરમાં આ બનાવે ફરી એકવાર ઓનલાઈન રોકાણ અને પૈસા ડબલ કરવાની લાલચ આપતી એપ્સ સામે સાવચેત રહેવાની જરૂરિયાત ઉભી કરી છે.