ગાંધીનગર : રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ-1963 હેઠળ જિલ્લા તથા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકોની નિયમિત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાન અંતર્ગત તા. 20 મે, 2026ના રોજ સાંજે આશરે 6:45 કલાકે તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચિરાગ કે. પટેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાજેશ કે. ગુર્જરે ઓલપાડ તાલુકાના અટોદરા ચોકડી, સાયણ-ઓલપાડ રોડ પર આવેલી શ્રી હેલ્થ કેર ક્લિનિક તથા વંશ હોસ્પિટલની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન હોસ્પિટલ અને ક્લિનિકમાં હાજર સ્ટાફ તેમજ ડોક્ટરો પાસેથી ડિગ્રી અને લાયકાત સંબંધિત સર્ટિફિકેટ માંગવામાં આવ્યા હતા. જોકે સંબંધિત વ્યક્તિઓ જરૂરી ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરી શક્યા નહોતા.આ અંગે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક પોલીસની મદદ માંગવામાં આવી હતી. ત્યારબાદ ઓલપાડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.બી. દેસાઈ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી વધુ પૂછપરછ હાથ ધરી હતી.તપાસ દરમિયાન શ્રી હેલ્થ કેર ક્લિનિકના સંચાલક ચાંદની ગુપ્તા તથા વંશ હોસ્પિટલના સંચાલક આર.એસ. વાજા યોગ્ય લાયકાત વગર ક્લિનિક અને હોસ્પિટલ ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.આ મામલે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી બંને સંસ્થાઓ સામે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
આરોગ્ય વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે કાયદા મુજબ હોસ્પિટલ અને ક્લિનિકનું રજીસ્ટ્રેશન ફરજીયાત છે તેમજ લાયકાતપ્રાપ્ત મેડિકલ સ્ટાફ વિના સારવાર કામગીરી ચલાવવી કાયદેસરની ગુનાહિત બાબત ગણાય છે.