પેન્ડલ સાડીમાં અટકી જતા બચી ગયુ, દર્શન કરતી વખતે માંજલપુરમાં ચેઇન સ્નેચિંગની ઘટના
વડોદરા તા.22
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં હનુમાનજીના મંદિર ખાતે દર્શન કરવા ગયેલી 70 વર્ષીય વૃદ્ધા ગળામાંથી અંદાજે બે તોલાની સોનાની ચેન મહિલા તસ્કરે સરકાવી લીધી હતી. જોકે ચેનમાં લાગેલું પેન્ડલ સાડીમાં ફસાઈ જતાં મળી આવ્યું હતું. ચેઇન સ્નેચિંગનો ભોગ બનતા ચકચાર મચી ગઈ છે. મંદિરમાં આવેલા ભક્તોની ભારે ભીડનો લાભ લઈ અજાણી તસ્કર મહિલાએ ખેલ પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા સ્વામી સુર્યનારાયણનગરમાં રહેતા કુંદાબેન ગણપતભાઈ સરકલે પોતાના પરિવાર સાથે રહે છે. હનુમાનજીના મંદિરે તેઓ પોતાની દીકરી વાસંતીબેન તથા પુત્રવધૂ માયાબેન સાથે સરસ્વતી ચાર રસ્તા નજીક આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
મંદિરમાં મહિલાઓની લાઈનમાં ભારે ભીડ વચ્ચે બપોરના આશરે 12 વાગ્યાના સુમારે કોઈ અજાણી મહિલાએ તકનો લાભ લઈ કુંદાબેનના ગળામાં પહેરેલી પેન્ડલવાળી સોનાની ચેન સરકાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ વૃદ્ધાએ પરિવારજનો સાથે મંદિર પરિસરમાં ચેનની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન પેન્ડલ સાડીમાં અટવાયેલું મળી આવ્યું હતું, પરંતુ ચેન મળી આવી નહોતી. પરિવારજનોએ આસપાસ તપાસ કરી છતાં કોઈ માહિતી ન મળતાં આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરી થયેલી સોનાની ચેન અંદાજે બે તોલા વજનની હતી. જે વર્ષ ૨૦૦૦માં રૂ.21860ના ખર્ચે ખરીદવામાં આવી હતી. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી મંદિર તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.