Gujarat

અમદાવાદમાં બુલેટ ટ્રેન કામગીરીને કારણે કાલુપુર બ્રિજ રાત્રે બંધ- ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર

અમદાવાદ

અમદાવાદના કાલુપુરમાં આવેલા મનુભાઈ પરમાર ઓવરબ્રિજ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે પોલીસ દ્વારા આગામી 22 મે 2026થી 25 મે 2026 સુધી રાત્રિના સમયે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

શહેરના વ્યસ્ત ગણાતા કાલુપુર બ્રિજ ઉપર બુલેટ ટ્રેન કોરિડોર માટે પાયલોટીંગ અને સેગમેન્ટ સ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાના કારણોસર દરરોજ મધરાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બ્રિજનો એક ભાગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

કાલુપુર સર્કલ બ્રિજના છેડેથી બ્રિજ ઉપર આવેલા નાના સર્કલ સુધીનો અંદાજે 500 મીટરનો માર્ગ બંધ રાખવામાં આવશે. જોકે દિવસ દરમિયાન સામાન્ય ટ્રાફિક ચાલુ રહેશે.

જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગો- નરોડા રોડ અને સરસપુર તરફથી કાલુપુર સર્કલ જવા માટે:

વાહનચાલકો સરસપુર સર્કલથી નૂતન મિલ રોડ, વોરાના રોજા, ડૉ. આંબેડકર ફ્લાયઓવર (ચામુંડા બ્રિજ), સિવિલ હોસ્પિટલ રોડ, ગિરધરનગર ચાર રસ્તા, બાબુ જગજીવનરામ બ્રિજ અને ઇદગાહ રોડ મારફતે કાલુપુર સર્કલ પહોંચી શકશે.

સરસપુર તરફથી કાલુપુર માટેનો બીજો વિકલ્પ:

સરસપુર સર્કલથી ગુરુદ્વારા રોડ, ચારતોડા કબ્રસ્તાન રોડ, રખિયાલ ચાર રસ્તા, મુર્ગા સર્કલ, એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન, અનુપમ સિનેમા રોડ, અનુપમ બ્રિજ અને કાંકરિયા રોડ થઈ સારંગપુર સર્કલ મારફતે કાલુપુર પહોંચી શકાશે.

કાલુપુર તરફથી રખિયાલ અને સિવિલ વિસ્તાર માટે:

કાલુપુર સર્કલથી ફ્રુટ માર્કેટ, પાંચકુવા, ઇદગાહ રોડ, બાબુ જગજીવનરામ બ્રિજ, ગિરધરનગર ચાર રસ્તા થઈ સિવિલ હોસ્પિટલ રોડ અને આંબેડકર બ્રિજ તરફ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવશે.

રખિયાલ તરફ જવા માટે

કાગડાપીઠ પોલીસ સ્ટેશન, વાણિજ્ય ભવન, કાંકરિયા રોડ, અનુપમ બ્રિજ, એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન અને સુખરામ ચાર રસ્તા થઈ મુર્ગા સર્કલ મારફતે રખિયાલ તરફ જઈ શકાશે.

કયા માર્ગ પર ટ્રાફિક ચાલુ રહેશે?

નરોડા જીસીએસ હોસ્પિટલ રોડ તરફથી સરસપુર-ગોમતીપુર તરફ જતો અને આવતો ટ્રાફિક કાલુપુર બ્રિજ પરથી યથાવત ચાલુ રહેશે.

અમદાવાદ શહેર પોલીસે નાગરિકોને રાત્રિના સમયે મુસાફરી પહેલાં વૈકલ્પિક માર્ગોની માહિતી મેળવી અનાવશ્યક ટ્રાફિકથી બચવા અપીલ કરી છે.

Most Popular

To Top