Gujarat

અમદાવાદના નિકોલમાં ગેસ ડિલિવરી બોય સાથે છેતરપીંડી- અજાણ્યો શખ્સ મદદના બહાને 9 ગેસ સિલિન્ડર ચોરી ફરાર

અમદાવાદ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગેસ ડિલિવરી કરનાર યુવક સાથે મોડી રાત્રે મદદ માંગવાના બહાને એક અજાણ્યા શખ્સે યુવકને બિલ્ડિંગના સાતમા માળે મોકલી દીધો અને નીચે પાર્ક કરેલી રિક્ષામાંથી 9 ડોમેસ્ટિક LPG ગેસ સિલિન્ડર ચોરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ભરત પરમાર કઠવાડા નજીક આવેલી ગેસ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. ગઈ 18 મેની મોડી રાત્રે આશરે 11.30 વાગ્યે તેઓ કૃષ્ણનગરના સીતારામ ચોક પાસે પોતાની લોડિંગ રિક્ષાનું પંચર બનાવડાવી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ તેમની પાસે આવ્યો અને જણાવ્યું કે તેને તાત્કાલિક રસોઈ માટે ગેસ સિલિન્ડરની જરૂર છે અને તે બીજા દિવસે સિલિન્ડર પરત કરી દેશે.

ગેસ ડિલિવરી બોય ભરતએ તે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ રાખીને તેને પોતાની રિક્ષામાં બેસાડી દીધો. ત્યારબાદ બંને મધરાતે લગભગ 12 વાગ્યે નિકોલ વિસ્તારમાં આવેલા અટલ એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. ત્યાં અજાણ્યા શખ્સે ભરતને કહ્યું કે તેનો ફ્લેટ સાતમા માળે છે અને ફ્લેટ લોક હોવાથી તે નીચેમાંથી ચાવી લઈને આવે છે ત્યાં સુધી તેઓ ઉપર જઈ રાહ જુએ.

ભરત સાતમા માળે પહોંચીને લગભગ 15થી 20 મિનિટ સુધી રાહ જોતો રહ્યો, પરંતુ કોઈ ન આવતા તે નીચે પરત ફર્યો હતો. નીચે આવીને તેણે જોયું તો રિક્ષામાં રાખેલા ગેસના 9 સિલિન્ડર ગાયબ હતા અને અજાણ્યો વ્યક્તિ પણ ફરાર થઈ ગયો હતો. આ રીતે કુલ 8,280 રૂપિયાના સિલિન્ડરની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ભરત પરમારે સિલિન્ડરના અસલી બિલ સાથે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી અને ઠગાઈનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top