પગાર વધારો માંગતા જાતિવિષયક અપશબ્દો બોલી અત્યાચાર કરાયો હોવાનો આક્ષેપ
વડોદરા, તા. 22
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોરગામ નવીનગરીમાં રહેતા એક ડમ્પર ડ્રાઈવરને ડીઝલ ચોરીના આરોપસર ઓફિસે બોલાવી દોરડાથી ઊંધો લટકાવી લોખંડ અને પ્લાસ્ટિકની પાઈપ વડે માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સાથે જ જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી અત્યાચાર ગુજારાયો હોવાની ફરિયાદ નોંધાતા વલણ પોલીસે ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત પાંચ લોકો વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, ઇન્દોરગામ નવીનગરીના રહેવાસી નટવરભાઈ જીવાભાઈ વસાવા છેલ્લા એક વર્ષથી લીલોડ ગામના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલના હાઈવા ડમ્પરમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. ગત 15 મેના રોજ તેઓ અને અન્ય ડ્રાઈવર ગીરીશભાઈ વસાવા લીલોડ લીઝમાંથી રેતી ભરી જંબુસર ગયા હતા. સાંજે પરત ફર્યા બાદ તમામ ડ્રાઈવરોને બકાપુર સ્થિત ઓફિસે બોલાવવામાં આવ્યા હતા.
ઓફિસ ખાતે ઋષિ અક્ષય પટેલે નટવરભાઈને એક વાહનનો ફોટો બતાવી ડીઝલ ચોરીનો આરોપ મૂક્યો હતો. નટવરભાઈએ આરોપ નકારતા જ ઋષિ પટેલે લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પ્લાસ્ટિકની પાઈપ વડે શરીરના વિવિધ ભાગોમાં માર મારવામાં આવ્યો હતો. ફરિયાદ અનુસાર જયદતબાપુ, સાહીલ પટેલ, જાવીદ પઠાણ અને વિજયભાઈએ પણ વારાફરતી મારકૂટ કરી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ નટવરભાઈને દોરડાથી પગ બાંધી ઊંધા માથે લટકાવ્યા હતા અને “ભીલડા” કહી જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી ગાળો આપી હતી. ભારે મારપીટને કારણે તેઓ બેભાન જેવી હાલતમાં પહોંચી ગયા હતા. બાદમાં ઓફિસમાં કામ કરતા ધવલ માછી અને સુરેશ વસાવાએ તેમને કહોણા હોડી ઘાટ સુધી પહોંચાડ્યા હતા, જ્યાંથી પરિવારજનો તેમને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી દવાખાને અને પછી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
સારવાર બાદ નટવરભાઈએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની વિગત આપતા વલણ પોલીસે ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત પાંચ આરોપીઓ સામે મારામારી, એટ્રોસિટી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
ઋષિ અક્ષય પટેલ – લીલોડ, તા. કરજણ
જયદતબાપુ
સાહીલ પટેલ
જાવીદ પઠાણ
વિજયભાઈ
વધુ ગંભીર કલમો ઉમેરવાની માંગ
આદિવાસી સમાજના આગેવાનો અને પીડિત પરિવાર દ્વારા આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની વધુ ગંભીર કલમો ઉમેરવાની માંગ ઉઠી છે. એડવોકેટ મિનેશ પરમારે જણાવ્યું હતું કે BNS કલમ 109 અને 118(2)નો સમાવેશ કરાયો નથી, જેથી આગામી દિવસોમાં ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવશે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આરોપીઓ રાજકીય રીતે પ્રભાવશાળી હોવા છતાં કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.