Sports

બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 90 મિનિટની દીવાલ અને ગરીબીથી વર્લ્ડ કપ સુધીનો સફર: ઈરાનના ગોલકીપર અલિરેઝા બેઇરાનવંદની અદભૂત કહાની

ફૂટબોલની દુનિયામાં ઘણા ગોલકીપર આવ્યા અને ગયા, પરંતુ કેટલાક ખેલાડીઓ માત્ર તેમના પ્રદર્શન માટે નહીં, પરંતુ તેમની જીવનયાત્રા માટે પણ યાદ રાખવામાં આવે છે. ઈરાનના સ્ટાર ગોલકીપર Alireza Beiranvand એવી જ એક અનોખી વ્યક્તિ છે. ગરીબી, સંઘર્ષ, બેઘર જીવન અને નાના-મોટા કામોથી શરૂ થયેલી તેમની સફર આજે તેમને વિશ્વ ફૂટબોલના સૌથી પ્રખ્યાત ગોલકીપરોમાં સ્થાન અપાવે છે. તાજેતરમાં વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામે તેમની અદભૂત ગોલકીપિંગ ફરી ચર્ચામાં આવી છે.

90 મિનિટ સુધી બેલ્જિયમ સામે દિવાલ બની ઊભા રહ્યા
2026 ફિફા વર્લ્ડ કપની ગ્રુપ-જી મેચમાં ઈરાને મજબૂત બેલ્જિયમ સામે 0-0થી ડ્રો નોંધાવ્યો. આ મેચનો સૌથી મોટો હીરો બેઇરાનવંદ રહ્યા. મેચ દરમિયાન તેમણે અનેક શાનદાર સેવ કર્યા, પરંતુ સૌથી યાદગાર ક્ષણ ત્યારે આવી જ્યારે બેલ્જિયમના ખેલાડી મેક્સિમ ડી કુયપર લગભગ નિશ્ચિત ગોલ કરવા જઈ રહ્યા હતા. બેઇરાનવંદ જમીન પર પડેલી સ્થિતિમાં હતા છતાં ડાબા હાથથી અદ્ભુત બચાવ કરીને ગોલ અટકાવ્યો. આ સેવે ઈરાનને મહત્વપૂર્ણ એક પોઈન્ટ અપાવ્યો.
ઈરાનના કોચે મેચ બાદ તેમને દેશના સર્વશ્રેષ્ઠ ગોલકીપરોમાંના એક ગણાવ્યા હતા. ફૂટબોલ વિશ્લેષકોના મતે આ સેવ વર્લ્ડ કપ 2026ની શ્રેષ્ઠ સેવોમાંથી એક માનવામાં આવી શકે છે.

ગરીબીમાંથી શરૂ થયેલો સફર
અલિરેઝા બેઇરાનવંદનો જન્મ ઈરાનના લોરેસ્તાન પ્રાંતના એક નાના ગામમાં થયો હતો. તેઓ ભટકતી (નોમેડિક) પરિવારમાં ઉછર્યા હતા. બાળપણથી જ ફૂટબોલર બનવાનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી.
કિશોરાવસ્થામાં તેઓ પોતાના સપનાને સાકાર કરવા માટે ઘર છોડીને તેહરાન પહોંચ્યા. શરૂઆતના દિવસોમાં તેમની પાસે રહેવાની જગ્યા પણ નહોતી. અનેક વખત તેમને રસ્તાઓ પર અને ખુલ્લા મેદાનોમાં રાત પસાર કરવી પડી હતી.
ફૂટબોલ રમવાની સાથે તેમણે જીવનનિર્વાહ માટે અનેક કામ કર્યા. ક્યારેક કાર વોશમાં કામ કર્યું, તો ક્યારેક કપડાં બનાવતી ફેક્ટરીમાં. એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમણે પિઝા દુકાનમાં નોકરી કરી હતી. છતાં તેમણે પોતાના સપનાને ક્યારેય છોડ્યું નહીં.

લાંબા થ્રો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ
બેઇરાનવંદ માત્ર ગોલ બચાવવા માટે જ નહીં પરંતુ પોતાના અસાધારણ લાંબા થ્રો માટે પણ જાણીતા છે. તેમની હાથની તાકાત એટલી પ્રચંડ છે કે તેઓ ગોલપોસ્ટથી સીધો બોલ વિરોધી હાફ સુધી ફેંકી શકે છે.2014માં ક્લબ મેચ દરમિયાન તેમણે પોતાના લાંબા થ્રોથી સીધો આસિસ્ટ પણ નોંધાવ્યો હતો. ગોલકીપર તરીકે આવી ક્ષમતા બહુ ઓછા ખેલાડીઓમાં જોવા મળે છે.

બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડના માલિક
બેઇરાનવંદના નામે એક નહીં પરંતુ બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે.

  1. સૌથી લાંબો હેન્ડ થ્રો
    11 ઓક્ટોબર 2016ના રોજ દક્ષિણ કોરિયા સામેની મેચમાં તેમણે બોલને 61.0026 મીટર દૂર ફેંક્યો હતો. આ વિશ્વ ફૂટબોલના ઈતિહાસમાં ગોલકીપર દ્વારા કરાયેલો સૌથી લાંબો સ્પર્ધાત્મક થ્રો ગણાય છે. આ સિદ્ધિ બદલ તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું.
  2. સૌથી લાંબો ડ્રોપ કિક
    17 એપ્રિલ 2019ના રોજ ઈરાનની ક્લબ ફૂટબોલ મેચમાં તેમણે 78.014 મીટર લાંબો ડ્રોપ કિક માર્યો હતો. આ પણ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધાયો હતો.
    વિશ્વભરના ગોલકીપરો માટે આ બંને રેકોર્ડ આજે પણ પ્રેરણારૂપ છે.
  3. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ રોક્યા
    બેઇરાનવંદનું નામ વૈશ્વિક ફૂટબોલમાં સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે 2018 ફિફા વર્લ્ડ કપમાં તેમણે પોર્ટુગલના સુપરસ્ટાર Cristiano Ronaldoની પેનલ્ટી બચાવી હતી. તે મેચમાં રોનાલ્ડો ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા અને બેઇરાનવંદની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ હતી.તે સમયથી તેઓ એશિયાના શ્રેષ્ઠ ગોલકીપરોમાં ગણાવા લાગ્યા.
  4. ઈરાન માટે વિશ્વાસનો આધારસ્તંભ
    બેઇરાનવંદ વર્ષોથી ઈરાનની રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. તેઓ AFC એશિયન કપ અને ફિફા વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટોમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ 80થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોમાં ઈરાનનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.2017માં તેઓ એવા પ્રથમ ઈરાની ખેલાડી બન્યા હતા જેમને ફિફાના વ્યક્તિગત એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
  5. ક્લબ કારકિર્દીમાં પણ સફળતા
    બેઇરાનવંદે પોતાની ક્લબ કારકિર્દીની શરૂઆત ઈરાનની નાફ્ત તેહરાન ટીમથી કરી હતી. ત્યારબાદ તેમણે Persepolis માટે લાંબા સમય સુધી રમ્યા અને અનેક ખિતાબ જીત્યા.તેમણે યુરોપમાં પણ તક મેળવી હતી.સાથે જ બેલ્જિયમની Royal Antwerp, પોર્ટુગલની Boavista માટે પણ રમ્યા હતા. હાલમાં તેઓ Tractor સાથે જોડાયેલા છે.
  6. મુશ્કેલીઓ સામે ક્યારેય હાર ન માની
    2022 વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેમને ગંભીર માથાની ઈજા થઈ હતી. ટક્કર બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છતાં તેમણે વાપસી કરીને ફરી ઈરાન માટે રમવાનું ચાલુ રાખ્યું.આ ઘટના દર્શાવે છે કે તેઓ માત્ર પ્રતિભાશાળી જ નહીં પરંતુ અત્યંત મજબૂત માનસિકતા ધરાવતા ખેલાડી પણ છે.
  7. યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત: બેઇરાનવંદની કહાની માત્ર રમતગમતની સફળતાની નથી. તે સંઘર્ષ, મહેનત અને સપનાઓને સાકાર કરવાની કહાની છે. બેઘર યુવકથી લઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક અને વર્લ્ડ કપ હીરો બનવા સુધીનો તેમનો સફર લાખો યુવાનોને પ્રેરણા આપે છે. આજે અલિરેઝા બેઇરાનવંદ માત્ર ઈરાનના ગોલકીપર નથી, પરંતુ સંઘર્ષ અને સફળતાનું જીવંત પ્રતિક બની ગયા છે. બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પેનલ્ટી બચાવવાનો કારનામો, વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામેનો અવિસ્મરણીય દેખાવ અને ગરીબીમાંથી ઊભી થયેલી તેમની પ્રેરણાદાયક જીવનકથા તેમને વિશ્વ ફૂટબોલના સૌથી વિશિષ્ટ ખેલાડીઓમાં સ્થાન અપાવે છે.

Most Popular

To Top