સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત, ક્રેઇનથી કાર સીધી કરવી પડી,કોઈ જાનહાનિ નહીં :
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
ગુજરાત રિફાઈનરી ટાઉનશીપમાં ગત રાત્રીએ ગેટ નજીક એક કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, કારના આગળના ભાગે નુકસાન થયું હતું.

વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી. શહેર નજીક ગુજરાત રિફાઈનરી ટાઉનશીપ ખાતે કાર પલટી ખાઈ ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ કાર ઓવરસ્પીડમાં હોવાને કારણે ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત સર્જાતા લોકો એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. રિફાઇનરી કંપનીની ક્રેઇનની મદદથી કારને સરખી કરવી પડી હતી. સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં ચારેય વ્યક્તિ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે વિસ્તારમાં ઓવરસ્પીડ અને બેદરકારી અકસ્માતનું મુખ્ય કારણ બની રહી છે. ટાઉનશીપ વિસ્તારમાં વાહન ધીમું ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ટાઉનશીપ મેનેજમેન્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.