

(પ્રતિનિધિ), વડોદરા. તા.25
વડોદરા મહાનગર સેવા સદનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટેનો જાહેર પ્રચાર સમયમર્યાદા સાથે પૂર્ણ થયો છે. પ્રચારના પડઘમ શાંત થતાની સાથે જ શહેર વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ સજ્જ બન્યું છે. મતદાનના આખરી કલાકો પૂર્વે સમગ્ર શહેરમાં ચૂંટણી આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે.
ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા આજે મેદાનમાં ઉતરી હતી. પ્રચાર પૂર્ણ થતાની સાથે જ દબાણ શાખાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને આર.વી. દેસાઈ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ ચલાવીને જાહેર માર્ગો, ડિવાઈડરો અને વીજળીના થાંભલાઓ પર લટકતા રાજકીય પક્ષોના બેનરો, હોર્ડિંગ્સ અને પોસ્ટરોને યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવ્યા હતા.
આ કામગીરી અંગે માહિતી આપતા દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના નિયમોનુસાર પ્રચારની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર જાહેર મિલકતો પર પોતાની પ્રચાર સામગ્રી રાખી શકે નહીં. અમે તમામ ગેરકાયદેસર બેનરો અને પોસ્ટરો જપ્ત કરવાની કામગીરી શરૂ કરી છે. શહેરના તમામ 19 વોર્ડમાં આ ઝુંબેશ સતત ચાલુ રહેશે.
વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જો હવે પછી કોઈ પણ પક્ષ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવશે અથવા છૂપી રીતે પ્રચાર કરવાનો પ્રયાસ થશે, તો તેમની સામે ચૂંટણી નિયમો હેઠળ કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે.
તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મતદાનના દિવસે મતદારો કોઈ પણ પ્રકારના બાહ્ય દબાણ કે પ્રચારથી પ્રભાવિત થયા વગર મુક્ત મનથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. શહેરભરમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ વોચ રાખવામાં આવી રહી છે.