ડિસ્પેચિંગ કામગીરી દરમિયાન ગભરામણ થતાં અધિકારી જમીન પર ઢળી પડ્યા
સ્થળ પર હાજર મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ખસેડાયા
કરજણ: તાલુકા સેવાસદન ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ચાલી રહેલી ડિસ્પેચિંગ કામગીરી દરમિયાન એક અધિકારી અચાનક અસ્વસ્થતા અનુભવતા ઢળી પડ્યા હતા. ઘટનાથી સ્થળ પર થોડા સમય માટે ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ ચૂંટણી પૂર્વેની કામગીરી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત હતા ત્યારે ફરજ પર હાજર એક અધિકારીને અચાનક ગભરામણ અનુભવાઈ હતી. તબિયત બગડતા તેઓ ઓફિસ નજીક જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં હાજર અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તરત જ તેમની મદદ માટે દોડી આવ્યા હતા.
સદનસીબે ચૂંટણી કામગીરી દરમિયાન સ્થળ પર મેડિકલ સ્ટાફ હાજર હોવાથી તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને અધિકારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમયસર મળેલી તબીબી સહાયના કારણે અધિકારીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ ચૂંટણી જેવી જવાબદારીભરી કામગીરી દરમિયાન કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે પૂરતી તબીબી સુવિધા ઉપલબ્ધ રાખવાની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ કરી છે.
રિપોર્ટર: મુકેશ અઠોરા