SURAT

પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી

સુરતના ઉધના વિસ્તારમાં હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં ઘરઆંગણે ચાલતો વિવાદ દુર્ઘટનામાં ફેરવાઈ ગયો. ઉધના પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, એક 33 વર્ષીય પુત્ર એ ગુસ્સાના તાવમાં આવી પોતાની જ 70 વર્ષીય માતા પર જીવલેણ હુમલો કર્યો, જેના પરિણામે વૃદ્ધ મહિલાનું કરુણ મોત થયું છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસ ની પ્રાથમિક તપાસ મુજબ આરોપી યુવક અને તેના પિતા વચ્ચે લાંબા સમયથી ચાલતા ઘરેલુ મતભેદને લઈને ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. સામાન્ય વાતચીતથી શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ઉગ્ર બન્યો અને બંને વચ્ચે હાથાપાઈની સ્થિતિ સર્જાઈ. આ દરમિયાન માતા વચ્ચે આવી પરિસ્થિતિને શાંત કરવા પ્રયાસ કરી રહી હતી, પરંતુ ગુસ્સે ભરાયેલા પુત્રે સંયમ ગુમાવી માતા પર જ હુમલો કરી દીધો. હુમલામાં માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી, પરંતુ દુર્ભાગ્યે સારવાર મળે તે પહેલાં જ વૃદ્ધ મહિલાએ અંતિમ શ્વાસ લીધા.ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો.

પોલીસે આરોપી પુત્રને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો અને પરિવાર સાથે સતત તણાવમાં રહેતો હતો. તેની પત્ની પણ વર્ષો પહેલા તેને છોડી ગઈ હતી, જેના કારણે તે માનસિક દબાણમાં હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વધતા ગુસ્સા અને પરિવારિક મતભેદોના ગંભીર પરિણામો પર ચિંતા ઊભી કરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વિવાદને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આવી દુઃખદ ઘટનાઓને અટકાવી શકાય.

Most Popular

To Top