હવે 20થી વધુ વિકાસ કામોને મળશે પ્રોત્સાહન
ગાંધીનગર,
રાજ્ય સરકારની “વતન પ્રેમ યોજના”માં વ્યાપક સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. ગામડાઓના સર્વાંગી વિકાસ અને લોકભાગીદારી વધારવાના હેતુથી યોજનાની જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે આ યોજના હેઠળ રાજ્ય, દેશ અથવા વિદેશમાં વસતા દાતાઓ પોતાના વતનના વિકાસ માટે સ્વૈચ્છિક દાન આપી શકશે. સાથે જ ગામ સાથે આત્મીયતા ધરાવતી કોઈપણ વ્યક્તિ, સંસ્થા, ટ્રસ્ટ અથવા મંડળને પણ દાતા તરીકે જોડાવાની તક આપવામાં આવી છે.
નવી જોગવાઈ મુજબ હવે યોજના હેઠળ 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે. જેમાં સરકારી શાળાઓમાં સ્માર્ટ વર્ગખંડ, કમ્પ્યુટર પ્રયોગશાળા અને પુસ્તકાલય, આરોગ્ય કેન્દ્રો, પશુ દવાખાનાં, આંગણવાડી, મધ્યાહન ભોજન રસોડાં, આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, માર્ગ પ્રકાશ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, ગંદા પાણી શુદ્ધિકરણ સુવિધા, તળાવ સુશોભન, સોલાર રૂફટોપ, એસ.ટી. સ્ટેન્ડ, દૂધ મંડળી મકાન અને સામૂહિક શૌચાલય જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારે વિકાસના કામોને ‘A’ અને ‘B’ એમ બે શ્રેણીમાં વહેંચ્યા છે. સરકારી એજન્સી દ્વારા કામ થનાર હોય ત્યારે ‘A’ શ્રેણીના કામોમાં સરકાર 60 ટકા અને દાતા 40 ટકા ફાળો આપશે, જ્યારે ‘B’ શ્રેણીમાં સરકાર 40 ટકા અને દાતા 60 ટકા ફાળો આપશે.
જો કામ દાતા દ્વારા નક્કી કરાયેલી એજન્સી મારફતે કરાશે તો ‘A’ શ્રેણીમાં સરકાર 40 ટકા અને દાતા 60 ટકા ફાળો આપશે, જ્યારે ‘B’ શ્રેણીમાં સરકાર 20 ટકા અને દાતા 80 ટકા ફાળો આપશે.
યોજનાની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ત્રિ-સ્તરીય સમિતિઓને નાણાકીય સત્તા પણ સોંપવામાં આવી છે. રૂ. 20 લાખ સુધીના કામોને જિલ્લા કક્ષાની સમિતિ, રૂ. 20 લાખથી રૂ. 1 કરોડ સુધીના કામોને ખાતાના વડા કક્ષાની સમિતિ અને રૂ. 1 કરોડથી વધુના કામોને વિભાગ કક્ષાની સમિતિ મંજૂરી આપશે.