ગાંધીનગર,
સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં રોડ વાઇડનિંગના કામોને વધુ ગતિ આપવા અને વન વિસ્તારની જાળવણી માટે આગોતરું આયોજન કરવાની મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી કેબીનેટ બેઠકમાં આપી હતી.
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે રાજ્યના જે માર્ગોના માર્જીનમાં રક્ષિત વન વિસ્તાર આવે છે અને ભવિષ્યમાં જ્યાં રસ્તાઓ પહોળા કરવાની યોજના છે, તે તમામ માર્ગો માટે રક્ષિત વન જમીનના ડાયવર્ઝન માટે ભારત સરકારને આગોતરી અને એકસાથે દરખાસ્તો મોકલવામાં આવે. સરકારે આ પ્રક્રિયા ઝડપી બને તે માટે ડાયવર્ટ થનાર વન જમીન સામે વન વિભાગને આપવાની બિન-જંગલ જમીન પણ આગોતરી રીતે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આથી મંજૂરી પ્રક્રિયામાં ઝડપ આવશે અને રોડ વાઇડનિંગના કામો સમયસર પૂર્ણ થઈ શકશે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યાર સુધી અંદાજે 1,000 હેક્ટર જમીન પર રોડ વાઇડનિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અથવા ચાલુ છે. ભવિષ્યમાં રોડ વિસ્તૃતિકરણની યોજનાઓને ધ્યાનમાં લેતા હજુ અંદાજે 2,000 હેક્ટર જેટલી જંગલ જમીનના ડાયવર્ઝનની જરૂરિયાત ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ માટે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના શેહ વિસ્તારમાં અંદાજે 1,000 હેક્ટર બિન-જંગલ જમીનનું ‘લેન્ડ પોકેટ’ પહેલેથી ઓળખી રાખવામાં આવ્યું છે. ઉપરાંત ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા વધુ 2,000 હેક્ટર જેટલી બિન-જંગલ જમીન ઉપલબ્ધ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરાશે.રાજ્ય સરકારના આ આગોતરા આયોજનથી જમીન સંપાદનની વહીવટી જટિલતાઓમાં ઘટાડો થશે અને ભારત સરકાર પાસેથી જરૂરી મંજૂરીઓ ઝડપી મળી શકશે. સાથે જ વન વિભાગની જમીન સામે અન્યત્ર સમકક્ષ બિન-જંગલ જમીન આપવામાં આવતાં પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ મળશે.બેઠકમાં સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રસ્તાઓના વિસ્તૃતિકરણથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનશે તેમજ માળખાકીય વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ સફળ બનશે.