Gujarat

રાજ્યના પોલીસ વડાએ મેટ્રોમાં પ્રવાસ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો

અમદાવાદ,
રાજયના પોલીસ વડા ડૉ કે એલ એન રાવેએ આજે રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને મેટ્રો સ્ટેશનોની સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ પીએમ નરેન્દ્ર મોદીના ‘ઈંધણ બચાવો’ અભિયાનને પ્રોત્સાહન આપવાનો તેમજ જાહેર પરિવહન વ્યવસ્થાની સુરક્ષા ચકાસવાનો હતો.મેટ્રો મુસાફરી દરમિયાન રાજ્યના પોલીસ વડાએ સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, સીસીટીવી કેમેરાના નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરીને મેટ્રોની કામગીરી અને સુરક્ષા અંગે પ્રતિસાદ મેળવ્યો હતો.

ડો. રાવે જણાવ્યું હતું કે દેશવ્યાપી ઈંધણ બચત અભિયાનને ધ્યાનમાં રાખીને ઓફિસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પ્રવાસીઓએ પોતાના ખાનગી વાહનોના બદલે મેટ્રો સહિતની જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારે વાર્ષિક મુસાફરોની સંખ્યા અંદાજે 2.5 કરોડ જેટલી હતી, જે હવે વધીને લગભગ 5 કરોડ સુધી પહોંચી ગઈ છે. આથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે મેટ્રો મુસાફરીનું મહત્વપૂર્ણ અને પસંદગીનું માધ્યમ બની રહી છે.
રાજ્યના પોલીસ વડાએ ખાસ કરીને મહિલા મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોડી રાત્રે મુસાફરી દરમિયાન અથવા અન્ય કોઈ પરિસ્થિતિમાં જો કોઈ તકલીફ જણાય તો મુસાફરોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

Most Popular

To Top