રશિયાના અસ્ટ્રાખાન ગવર્નર સાથે વર્ચ્યુઅલ બેઠકમાં વ્યાપાર અને શિક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા
ગાંધીનગર,
સીએમ ભૂપેન્દ્ર પટેલએ રશિયાના અસ્ટ્રાખાન પ્રદેશના ગવર્નર ઇગૌર બાબુશ્કિન સાથે ગાંધીનગરથી વર્ચ્યુઅલ બેઠક યોજી બંને પ્રદેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.
બેઠક દરમિયાન ગુજરાત અને અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ, શિપ બિલ્ડિંગ તથા પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર સહમતી વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરના વિકાસ અંતર્ગત સહયોગ આપવા માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં રહેલી જહાજ નિર્માણની તકો અંગે પણ માહિતી આપી હતી અને બંને પ્રદેશો વચ્ચે ઔદ્યોગિક તેમજ આર્થિક ભાગીદારીને વધુ ગતિ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ગુજરાત અને અસ્ટ્રાખાન વચ્ચે વર્ષ 2001માં થયેલો પ્રોટોકોલ સહકાર કરાર હાલ 6 નવેમ્બર 2026 સુધી અમલમાં છે. બેઠક દરમિયાન આ સહકારને વધુ વિસ્તૃત કરવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અસ્ટ્રાખાન સાથે ઓઇલ અને ગેસ, શિપ બિલ્ડિંગ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, મત્સ્ય ઉદ્યોગ, દવાઓ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં કરેલા સહયોગ કરારોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ શિક્ષણ, માનવ સંસાધન વિકાસ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન ક્ષેત્રે થયેલી સમજૂતિઓને આગળ વધારવા પર ભાર મૂકાયો હતો.બેઠકમાં ગત ફેબ્રુઆરીમાં અસ્ટ્રાખાન પ્રદેશના વિદેશ વ્યવહાર મંત્રી સાથે થયેલી ચર્ચાનો પણ ઉલ્લેખ થયો હતો. જેમાં અસ્ટ્રાખાનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં રોકાણ, ગુજરાતની કૃષિ, એનર્જી અને મેડિકલ યુનિવર્સિટીઓ સાથે MoU તેમજ મેરિટાઇમ શિક્ષણ ક્ષેત્રે સહકાર અંગે ચર્ચા થઈ હતી.બંને પક્ષોએ સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવા અને પરસ્પર પ્રતિનિધિમંડળોની મુલાકાતોને પ્રોત્સાહન આપવા પણ સહમતી વ્યક્ત કરી હતી.