Gujarat

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક સિદ્ધિભરૂચ નજીક 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ

અમદાવાદ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક ભારતીય રેલવે ટ્રેક ઉપર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજના સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ 330 મીટર લાંબી સ્ટીલ રચનાનો ભાગ છે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFCC)ના સુરત-વડોદરા વિભાગ વચ્ચે આવેલા ટ્રેકને પાર કરે છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણાધીન આ બ્રિજમાં 100+130 મીટરનો કન્ટિન્યુઅસ સ્પાન તથા 100 મીટરનો સિમ્પલી સપોર્ટેડ સ્પાન સમાવાયો છે. તેમાં 130 મીટર લાંબા સ્પાનનું લોન્ચિંગ 16 મે 2026ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આશરે 18 મીટર ઊંચાઈ અને 15.5 મીટર પહોળાઈ ધરાવતા આ સ્પાનનું વજન અંદાજે 2900 મેટ્રિક ટન હોવાનું જણાવાયું છે.

આ અગાઉ માર્ચ 2026 દરમિયાન 100 મીટર લાંબા સિમ્પલી સપોર્ટેડ સ્પાનને નિર્માણ સ્થળ પર જ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેનું વજન અંદાજે 1500 મેટ્રિક ટન છે. બાકીના 100 મીટર લાંબા કન્ટિન્યુઅસ સ્પાનનું કામ પણ સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવશે.બ્રિજની સંપૂર્ણ રચના પૂર્ણ થયા બાદ તેનું કુલ વજન અંદાજે 6100 મેટ્રિક ટન થશે. ગુજરાતના ઉમરગામ ખાતે આવેલી કાર્બન ફેક્ટરી વર્કશોપમાં આ સ્ટીલ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજને 100 વર્ષની આયુષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
130 મીટર લાંબા સ્પાનના નિર્માણમાં આશરે 1.21 લાખથી વધુ ટોર-શિયર પ્રકારના હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ, C5 સિસ્ટમ પેઇન્ટિંગ તથા મેટાલિક બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્પાનને જમીનથી અંદાજે 14 મીટરની ઊંચાઈએ અસ્થાયી ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરીને બે સેમી-ઓટોમેટિક જેકની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રોજેક્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ ફ્રેટ ટ્રેક પર ટ્રાફિક વ્યવસ્થાને અસર ન થાય તે માટે અત્યંત સાવધાનીપૂર્વક અને તબક્કાવાર રીતે લોન્ચિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જેના કારણે માલગાડીઓની અવરજવરમાં ન્યૂનતમ વિક્ષેપ થયો હતો.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 17 બ્રિજ ગુજરાતમાં બનાવવાના છે. અત્યાર સુધીમાં તેમાંના 14 સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top